Gondal Rajkumar Jat Case: ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ (જ્યોતિરાદિત્યસિંહ) જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરુ થઈ ચૂકી છે. આજે(8 ડિસેમ્બર) ગણેશ જાડેજા નાર્કો ટેસ્ટની પ્રક્રિયા માટે ગાંધીનગર FSL પહોંચ્યા હતા. જ્યાં આજથી કાગળ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આવતીકાલથી તેની મેડિકલ પ્રોસેસ શરુ થશે. આગામી 11થી 13 ડિસેમ્બર સુધીમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થવાની સંભાવના છે. બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકોએ રાજકુમાર જાટના પિતાનો પણ નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ ગોંડલમાં ચર્ચાસ્પદ રાજકુમાર જાટના મોત કેસમાં મૃતકના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માંગ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટમાં મંજૂરી માંગી હતી. આ માટે ગણેશે પણ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી હતી. ત્યારબાદ આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઑફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે 5 ડિસેમ્બરે ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી.
જોકે, આ કેસમાં ખાનગી બસના ચાલકનો નાર્કો ટેસ્ટ નહીં કરવામાં આવે કારણ કે તેની ઉંમર અને શારીરિક સ્થિતિને લઈને નાર્કો ટેસ્ટ નહીં કરવા માટે નિર્ણય લેવાયો છે. જેને લઈને હવે માત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. નાર્કો ટેસ્ટના રિપોર્ટ બાદ રાજકુમારના મોતને લઈને અનેક સવાલો અને અટકળો ચાલી રહી છે તેના પર પૂર્ણવિરામ લાગી શકે છે.
જણાવી દઈએ કે, રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુને સોંપાઈ છે. પોલીસે ગણેશ ગોંડલ સહિત 10થી વધુ લોકોના સુરેન્દ્રનગર ખાતે નિવેદન નોંધ્યા હતા. આગામી 10 ડિસેમ્બરે પ્રથમ રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાશે. જોકે, નાર્કો ટેસ્ટ પુરાવો નહીં, પરંતુ નવી માહિતી માટે ઉપયોગી છે.
શું હતી ઘટના?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતાં રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા. જોકે, બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરુ કરી હતી.'


