Narmada News: ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારને લઈને કરેલા ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે. વસાવાએ ભ્રષ્ટાચાર કરનારાઓના નામ કે પુરાવા જાહેર કર્યા નહોતા, પરંતુ મુખ્ય નિશાન આમ આદમી પાર્ટી(AAP)ની ટીમને બનાવ્યું હતું. તેના જવાબમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી, ઉલટાનું ભાજપ પર જ આદિજાતિ વિકાસના ફંડના દુરુપયોગનો આરોપ લગાવી રાજકીય માહોલ ગરમાવ્યો છે.
મનસુખ વસાવાનો 'તોડકાંડ'નો આક્ષેપ, ચૈતર વસાવાનો વળતો પ્રહાર
મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે AAPની ટીમ એજન્ટો મૂકી વિકાસ કાર્યોમાં ક્ષતિઓ શોધી તોડ કરે છે. એક વર્ષ પહેલાં AAPના એક નેતાએ રેન્જ ફોરેસ્ટ ઑફિસર (RFO) પાસેથી રુ. 50 લાખનો તોડ કર્યો હતો. હત્યાના પીડિતોને સહાય અપાવવા માટે પણ તમામ પક્ષના નેતાઓ સહિતની ટીમે રૂ. 10-10 લાખનો તોડ કર્યો હતો.
જેની સામે ચૈતર વસાવાએ વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, જો ભાજપના સાંસદ મારા વિરુદ્ધ પુરાવા નહીં આપે તો અમે માનીશું કે તેમને મનોચિકિત્સક પાસે સારવાર લેવાની જરુરત છે. મારા વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવે, નહીં તો હું માનહાનીનો કેસ કરીશ. આ સાથે મનરેગા કૌભાંડ સમયે પણ મનસુખ વસાવાએ આરોપોને નકાર્યા હતા, પરંતુ બાદમાં કૌભાંડ બહાર આવ્યું હતું. મનસુખ વસાવા ભ્રષ્ટાચાર કરનારાઓનું લિસ્ટ સરકારને આપે તેવો પડકાર ફેંક્યો હતો.
વિકાસના કામોમાં રોડા વિરુદ્ધ સરકારી ફંડનો દુરુપયોગ
મનસુખ વસાવાએ દાવો કર્યો હતો કે, AAP નેતાઓની ટીમ વિકાસના કામમાં કોઈના કોઈ રીતે રોડા નાખી રહી છે અને સંકલનની બેઠકોમાં નાના કામોમાં તપાસ માંગી સોશિયલ મીડિયામાં વહેતા કરીને તોડ કરે છે. 'ચોર સાહુકારને દંડે તેવા કૃત્ય' થઈ રહ્યા છે.
સાંસદના આ આક્ષેપો સામે આપના ધારાસભ્યએ વળતો પ્રહાર કર્યો છે કે, પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રુપિયાનો ખર્ચ આદિજાતિ વિકાસના ફંડમાંથી કરવામાં આવ્યો છે. જ્યારે મેં સવાલ ઊભા કર્યા, ત્યારે સાંસદના પેટમાં તેલ રેડાયું. આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ અને કુપોષિત બાળકોની ગ્રાન્ટ માટે પણ સરકાર પાસે પૈસા નથી.
નેતાઓની મિલીભગત વિરુદ્ધ રુ. 10 કરોડના કમલમ પર સવાલ
મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે, આ જિલ્લામાં નેતાઓની એકબીજા સાથે મિલીભગત છે (ભાજપ, કોંગ્રેસ, AAP સહિત), એટલે કોઈ બોલતું નથી. AAP નેતાઓ અધિકારીઓને ધમકાવે છે છતાં કોઈ બોલતું નથી. એક આદિવાસી નેતાએ રુ. 75 લાખ માંગ્યા હોવાનો પુરાવા વગરનો દાવો કર્યો હતો, અને કહ્યું કે. ભ્રષ્ટાચાર કરનારને હું છોડતો નથી
સાંસદ વસાવાના આ આક્ષેપોના જવાબમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ પલટવાર કરતાં જણાવ્યું હતું કે, નર્મદામાં આંગણવાડી કે શાળાઓ માટે ગ્રાન્ટ નથી, તો તમે રુ. 10 કરોડનું ફાઇવસ્ટાર કમલમ કોના પૈસાથી બનાવ્યું? આદિવાસી વિસ્તારના સિકલ સેલ પીડિતો માટે સબસીડીની યોજના હતી, પરંતુ માર્ચથી આજ દિન સુધી ગ્રાન્ટ ન હોવાનું જણાવી સહાય ચૂકવાતી નથી.
રાજકીય વિશ્લેષણ: પુરાવા વિનાનું રાજકારણ?
સાંસદ મનસુખ વસાવા દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, પરંતુ તેમની પાસે પત્રો કે માહિતી હોવા છતાં પુરાવા રજૂ ન કરવાના નિર્ણયથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. આક્ષેપોમાં તથ્ય હોય તો પુરાવા વગરનું રાજકારણ કેમ?
બીજી તરફ, ચૈતર વસાવાએ વળતાં પ્રહારમાં રુ. 10 કરોડના કમલમ બિલ્ડિંગ અને આદિજાતિ વિકાસ ફંડના દુરુપયોગ જેવા મુદ્દા ઉઠાવીને રાજકીય ચર્ચાનું કેન્દ્ર ભાજપ તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે. અંતે, બંને નેતાઓએ એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા છે, પરંતુ કોઈએ નક્કર પુરાવા રજૂ કર્યા નથી, જેનાથી નર્મદાના લોકોમાં આક્ષેપોની સત્યતા અંગે મૂંઝવણ પ્રવર્તી રહી છે.
વસાવાએ આ અંગે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજૂઆત કરવાની વાત કરી છે. હવે જોવું એ રહ્યું કે આ 'તોડકાંડ'ના આક્ષેપો અંગે કોઈ સત્તાવાર તપાસ શરુ થાય છે કે પછી આ માત્ર રાજકીય યુદ્ધ બનીને રહી જશે.


