સુભાષ બ્રિજ શરુ થવામાં લાગશે સમય: IIT, SVNIT સહિત 6 એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Subhash Bridge news: સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ અને ભાગ બેસી જવાની ગંભીર ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બ્રિજની માળખાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સઘન અને સતત નિરીક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરની ત્રણ એજન્સીઓ સહિત IIT મુંબઈ, IIT રુડકી અને SVNIT જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાઓ પાસે આખા બ્રિજનું વ્યાપક ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન કરાવવામાં આવી રહ્યું છે.
નિરીક્ષણ કામગીરી પૂરજોશમાં: રિપોર્ટ્સ ક્યારે મળશે?
AMCનું કહેવું છે કે, M-પેનલ કરાયેલી ત્રણ કંપનીઓ—પંકજ એમ પટેલ, કસાડ અને મલ્ટી મીડિયા—દ્વારા ઇન્સ્પેક્શનનું કામ પૂર્ણતાના આરે છે. આ કંપનીઓ દ્વારા તૈયાર કરાયેલો VDO સહિતનો વિગતવાર રિપોર્ટ બુધવારે સવારે મનપાને સોંપવામાં આવશે.
આજે (8 ડિસેમ્બર, સોમવાર) વડોદરાની જીઓ ડાયનેમિક્સ નામની કંપની દ્વારા બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બ્રિજના તમામ પિલર અને સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરવામાં આવશે. આ કંપની બે દિવસ બાદ પોતાનો વિગતવાર રિપોર્ટ AMCને સોંપશે.
IIT સહિત ત્રણ મોટી સંસ્થાઓની મદદ લેવાશે
AMC આગામી દિવસોમાં વધુ ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાઓની મદદ લેશે, જે બ્રિજના માળખાની સંપૂર્ણ વૈજ્ઞાનિક ચકાસણી કરશે.
- IIT મુંબઈ
- IIT રુડકી
- SVNIT (સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટૅક્નોલૉજી)
એક સપ્તાહ ચાલશે નિરીક્ષણની કામગીરી-
આવતીકાલે, 9 ડિસેમ્બરના રોજ મંગળવારે, SVNITની ટીમ ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ માટે અમદાવાદ આવશે. આગામી બે દિવસ બાદ IIT મુંબઈ અને IIT રુડકીની ટીમો પણ ટેસ્ટ માટે આવશે. આ રીતે, આખા અઠવાડિયા દરમિયાન અલગ-અલગ નિષ્ણાત એજન્સીઓ દ્વારા બ્રિજના ટેસ્ટ અને નિરીક્ષણની કામગીરી ચાલુ રહેશે.
બ્રિજ ક્યારે ખૂલશે?
સુભાષ બ્રિજ ક્યારે વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવશે તે અંગેનો અંતિમ નિર્ણય લેવા માટે તમામ નિષ્ણાત એજન્સીઓના રિપોર્ટ્સનું વિશ્લેષણ કરવામાં આવશે. AMC કમિશ્નર અને બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ તમામ ટેસ્ટ રિપોર્ટ્સ અને સૂચનોના આધારે રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને બ્રિજ અંગેનો અંતિમ નિર્ણય લેશે.રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ આ સમગ્ર કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ
સુરક્ષાની ખાતરી બાદ જ વાહનવ્યવહાર પૂર્વવત્ થવાની શક્યતા
જોકે, તમામ ટેસ્ટિંગ અને રિપોર્ટ્સની પ્રક્રિયાને જોતાં, સોમવાર સાંજ સુધીમાં સંપૂર્ણ ડેટા એકઠો થયા બાદ જ સત્તાવાર જાહેરાત થઈ શકશે. હાલમાં, ત્વરિત સમારકામ કે બ્રિજને ફરી શરુ કરવા અંગેની કોઈ સ્પષ્ટ સમયરેખા AMC દ્વારા જાહેર કરવામાં આવી નથી, પરંતુ સુરક્ષાની સંપૂર્ણ ખાતરી બાદ જ વાહનવ્યવહાર પૂર્વવત્ થવાની શક્યતા છે.









