Get The App

'ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?', સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદનશીલતા

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
'ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?', સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદનશીલતા 1 - image


Chhota Udepur MLA controversy: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં એક અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ હતી. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પ્રજાને જ નિશાન બનાવતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તમે ટેકરા પર રહો છો, અમારો શું વાંક: ધારાસભ્યનો જવાબ

નસવાડી તાલુકાના અનેક અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. આ ગંભીર સમસ્યા અંગે સ્પષ્ટતા કરવાને બદલે ધારાસભ્ય અભેસિંહ તડવીએ સ્ટેજ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, 'ડુંગરોમાં રહેતા આદિવાસી લોકો ટેકરાઓ ઉપર રહે છે, તેના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. તેમાં અમારો કોઈ વાંક નથી.' ધારાસભ્યના આ નિવેદને લોકોની મુશ્કેલીઓની મજાક ઉડાવી હોય તેવો ઘાટ સર્જાયો છે.


આ પણ વાંચો: યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ

ઝોળીમાં લઈ જવાય છે સગર્ભાઓ, છતાં ધારાસભ્ય સંવેદનહીન

ગઢબોરીયાદ વિસ્તારમાં છેલ્લા એક જ અઠવાડિયામાં ત્રણ એવી ઘટનાઓ બની છે જેમાં સગર્ભા મહિલાઓને રસ્તાના અભાવે ઝોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવી પડી હતી. આ પીડિત મહિલાઓની મુલાકાત લેવા કે સાંત્વના આપવાને બદલે ધારાસભ્ય કાર્યક્રમમાં પોતાની વાહવાહી લૂંટવામાં અને પ્રજાને દોષી ઠેરવવામાં વ્યસ્ત જણાયા હતા.

એસટી બસ અને રસ્તાની માંગણીઓ અધ્ધરતાલ

નસવાડી તાલુકાના 100થી વધુ ફળિયાઓને જોડતા રસ્તાઓની મંજૂરી સરકાર પાસેથી લાવવામાં ધારાસભ્ય નિષ્ફળ રહ્યા છે. કુકરદા ગામના લોકો લાંબા સમયથી એસટી બસની સુવિધા માટે રજૂઆત કરી રહ્યા છે. ધારાસભ્યએ સ્ટેજ પરથી સ્વીકાર્યું કે લોકો બસની માંગણી કરે છે, પરંતુ આ માંગ ક્યારે સંતોષાશે તેની કોઈ ખાતરી આપી નથી.

'108' તરીકે ઓળખાતા ધારાસભ્યની છબી ખરડાઈ

સ્થાનિક સ્તરે '108'ના હુલામણા નામથી ઓળખાતા ધારાસભ્ય હવે પ્રજાની રજૂઆત સાંભળવામાં રસ નથી ધરાવતા તેવો વરવો નમૂનો આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. લોકાર્પણના કાર્યક્રમમાં જ્યારે લોકો સુવિધાની અપેક્ષા રાખતા હતા, ત્યારે ધારાસભ્યના લાજવાના બદલે ગાજ્યા વલણે લોકોમાં અનેક સવાલો ઊભા કર્યાં છે.