Gujarat

નવો કોન્ટ્રાક્ટ અમલમાં આવતા એરપોર્ટ પર ટુ વ્હીલરનું ફ્રી પાર્કિંગ હવે બંધ થશે

By GS TEAM
31 Oct 20252 mins read
નવો કોન્ટ્રાક્ટ અમલમાં આવતા એરપોર્ટ પર ટુ વ્હીલરનું ફ્રી પાર્કિંગ હવે બંધ થશે

વડોદરા : વડોદરા એરપોર્ટ પર બે મહિના પહેલા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ પુરો થઇ જતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગની કામગીરી સંભાળવામાં આવતી અને તેના કારણે ટુ વ્હીલર ચાલકો પાસેથી પાર્કિંગનો કોઇ ચાર્જ વસુલવામાં આવતો ન હતો. જો કે, હવે મુંબઇની કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતા સોમવારથી ટુ વ્હીલર ચાલકોને પણ હવે ૩૦ મિનિટના રૃા.૧૦ ચૂકવવા પડશે.

એરપોર્ટના સુત્રોએ જણાવ્યું હતું કે, પાર્કિંગનું ટેન્ડર મુંબઇની કંપનીનું મંજૂર થતાં આ કંપની સોમવારથી કામગીરી શરુ કરશે. એરપોર્ટ પર પાર્કિંગના ચાર્જીસમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પાર્કિંગના જે દર નક્કી કરવામાં આવ્યા છે તેમાં ૮ મિનિટનું પાર્કિંગ તમામ વાહનો માટે ફ્રી રહેશે.

એરપોર્ટ પર સોમવારથી ટુ વ્હીલર વાહન પાર્ક કરનારા વાહન ચાલકોએ ૩૦ મિનિટના રૃા.૧૦, ૩૦ મિનિટથી ૨ કલાક માટે રૃા.૧૫ અને  ૨૪ કલાકના રૃા.૪૫ ચૂકવવા પડશે. આજ રીતે ફોર વ્હીલરના ૩૦ મિનિટના રૃા.૩૦, ૩૦ મિનિટથી ૨ કલાકના રૃા.૪૦ અને ૨૪ કલાકના રૃા.૧૨૦ ચૂકવવા પડશે. જ્યારે બસ જેવા મોટા વ્હીકલ માટે ૩૦ મિનિટના રૃા.૧૭૦, ૩૦ મિનિટથી ૨ કલાકના રૃા.૨૫૦ અને ૨૪ કલાક માટે રૃા.૭૫૦  ચૂકવવા પડશે.

પાર્કિંગનો જે નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાં રિકશાના પાર્કિંગ કે, પ્રવેશ બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી હાલના તબક્કે એરપોર્ટમાં રિકશાને પ્રવેશ આપવામાં આવશે નહી તેમ એરપોર્ટના સત્તાધીશોએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં રિકશા બાબતે નિર્ણય લેવામાં આવશે અને તેના પાર્કિંગ ચાર્જીસ નક્કી કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યું હતું કે, હાલ છ મહિના માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટર દર મહિને એરપોર્ટ ઓથોરિટીને રૃા.૪.૫૦ લાખ ચૂકવશે. વડોદરા એરપોર્ટ પર રોજ સરેરાશ ૬૦૦થી ૭૦૦ ફોર વ્હીલ કારની અવર-જવર રહે  છે.