ભરૂચમાં 'જનતા કા રાજ'ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી
Bharuch Crime: ભરૂચના ઉમલ્લાના વેપારી મુકેશભાઈ શાહ અને તેમના પરિવાર પર થયેલા હુમલા બાદ પોલીસની ઢીલી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનામાં રાયસીંગપુરાના સરપંચના પુત્ર શનાભાઈ વસાવા અને તેમના સાથીઓએ વેપારીને લાકડીના સપાટાથી માર માર્યો હોવાનો આરોપ છે. આ મામલે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં, રાજકીય દબાણ હેઠળ સામાન્ય ફરિયાદ દાખલ કરીને સંતોષ માનવામાં આવ્યો હોવાનું વેપારી પરિવારે જણાવ્યું છે.
મહિલાને ધમકી આપી ગાળો બોલી
આ ઘટનાના વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વેપારીને બચાવવા આવેલા પરિવારજનોમાંથી એક મહિલા હતી, જેને પણ કેટલાક લુખ્ખા તત્ત્વો મારવાની ફિરાકમાં હતા, મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું તો તેને ગાળ બોલી થાય તે કરી લેવાની ધમકી આપી હતી.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના ખાખરાળાની ગેરકાયદે ખાણમાં યુવાનનું મોત, 40 કલાકે મૃતદેહ બહાર કઢાયો
પોલીસે માત્ર સામાન્ય ફરિયાદ નોંધી
મળતી માહિતી મુજબ, ફ્રીઝની લેવડદેવડ બાબતે થયેલા ઝઘડામાં શનાભાઈ વસાવા, જે પ્રકાશ દેસાઈના ડ્રાઈવર તરીકે ઓળખાય છે, તેણે પોતાના સાથીઓ સાથે મળીને મુકેશ શાહની દુકાને જઈને હુમલો કર્યો હતો. આ ઘટના બાદ વેપારીઓએ તાત્કાલિક ઉમલ્લા પી.આઈ.ને જાણ કરી. જોકે, બીજા દિવસે પાંચથી છ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા બાદ માત્ર સામાન્ય ફરિયાદ નોંધીને કેસને ટાળવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે.
'જનતા કા રાજ' સંગઠનથી જનતા નારાજ
આ ઘટનામાં પ્રકાશ દેસાઈના દબાણ હેઠળ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી ન હોવાનો આરોપ પણ વેપારીઓએ લગાવ્યો છે. પ્રકાશ દેસાઈ 'જનતા કા રાજ' નામના સંગઠન સાથે સંકળાયેલા છે, જેમના સભ્યો કાર્યક્રમો અને પ્રસંગોમાં મોટી સંખ્યામાં બાઈકો લઈને પહોંચીને પ્રજાને હેરાન કરતા હોવાનું અગાઉ પણ જાણવા મળ્યું છે. ભૂતકાળમાં પણ આ સંગઠનની ગતિવિધિઓ અંગે ભરૂચના ડી.એસ.પી.ને જાણ કરવામાં આવી હતી અને કેટલાક વીડિયો પુરાવા પણ રજૂ કરાયા હતા. જોકે, રાજકીય પીઠબળને કારણે આ સંગઠન સામે કોઈ કડક કાર્યવાહી થઈ શકી નથી.
આ પણ વાંચોઃ પડતા પર પાટું : ટ્રમ્પના 50% ટેરિફથી સુરત-મુંબઈના હીરા ઉદ્યોગમાં બેરોજગારીનું સંકટ
ધારાસભ્યની પણ મદદ ન મળી
વેપારીઓએ આ મામલે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાને પણ રજૂઆત કરી હતી, પરંતુ તેમના તરફથી પણ કોઈ મદદ ન મળતા તેઓ નિરાશ થયા છે. આખરે, મુકેશ શાહ અને તેમના પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રક્ષણની માંગણી કરી છે. તેમણે શનાભાઈ વસાવા જેવા માથાભારે તત્ત્વો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાય અને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે, જેથી ભયમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત સરકારના શાસનમાં વેપારીઓ સુરક્ષિત રહી શકે. આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે.
સાંસદે રજૂઆત કરવાનો કર્યો દેખાડો
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આ અંગે રજૂઆત મળતા તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પરંતુ નોંધનીય બાબતે એ છે કે ધારાસભ્યએ લખેલા પત્રમાં ફરિયાદીની જે રજૂઆત છે તે જ બેઠ્ઠી લખી કાઢવામાં આવી છે. પરંતુ 'જનતા કા રાજ'ના આતંકને ડામવા માટે કોઈ કાર્યવાહી કરવાનો ઉલ્લેખ સુધ્ધા નથી દેખાતો. આ સાથે જો સાંસદ ધારે તો જે તે પોલીસ સ્ટેશનના અધિકારીને પણ આ મુદ્દે ફોન કરીને ફટકાર લગાવી શક્યા હોત પરંતુ, તેવું કંઈ કર્યું હોય તેવું જણાતુ નથી. અવાર નવાર સરકાર અને અધિકારીઓને ફટકાર લગાવનાર સાંસદ મનસુખ વસાવા આવા ગંભીર મુદ્દા બાબતે કેમ કંઈ ખાસ બોલતા નથી તે સવાલ પણ લોકોને થઈ રહ્યો છે અને વેપારીઓમાં ભયનો માહોલ યથાવત છે.