કચ્છથી જામનગરમાં કતલખાને લઈ જવાતા 21 અબોલ જીવને બચાવાયા, ત્રણ આરોપીની ધરપકડ
Jamnagar News: કચ્છથી બે વાહનોમાં 21 જેટલા અબોલ જીવ ભરીને જામનગર કતલખાને મોકલવામાં આવતા હોવાની ગૌરક્ષકને માહિતી મળી હતી. આ માહિતીના આધારે મોરબીની ગૌરક્ષકની ટીમે કચ્છના માળીયાથી લઈને છે ક જામનગરના ભાદરા ગામના પાટીયા સુધી અલગ અલગ વાહનોમાં પીછો કરીને અટકાવ્યા હતા. આ મામલે જોડિયા પોલીસે ગૌરક્ષકની ફરિયાદના આધારે કચ્છના ત્રણ શખસોની ધરપકડ કરી છે. આ ઉપરાંત બે વાહનો કબજે કરીને અબોલ જીવોને રાજકોટના પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, મોરબીના ગૌરક્ષકોની ટીમને માહિતી મળી હતી કે, કચ્છથી બે બોલેરોમાં કેટલાક અબોલ પશુઓને જામનગરમાં કતલખાને મોકલવામાં આવી રહ્યા છે અને અને એક કાર દ્વારા તેનું પાયલોટિંગ પણ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે 15 જેટલા ગૌરક્ષકોએ અલગ અલગ ચાર વાહનોમાં તૈયાર હતા. આ દરમિયાન માળિયા પાસેથી બે બોલેરો વાહન પસાર થતાં તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પાયલોટિંગ કરી રહેલી કાર અને બંને બોલેરો ત્યાથી ફરાર થઈ ગઇ હતી. પરંતુ જામનગરના જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા હાઇવે રોડ પર એક ટ્રેક્ટર આડું મૂકી દેતાં બંને બોલેરોને અટકાવવામાં સફળતા મળી હતી. જો કે, પાયલોટિંગ કાર આગળ નીકળી ગઈ હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ખાખરાળાની ગેરકાયદે ખાણમાં યુવાનનું મોત, 40 કલાકે મૃતદેહ બહાર કઢાયો
બંને બોલેરોની તપાસ કરતા અંદરથી 21 અબોલ જીવ જોવા મળ્યા હતા. આ તરત જ જોડીયા પોલીસને જાણ કરાઈ હતી. આ મામલે પોલીસે જબ્બાર ફકીર, અકુડા ફકીર અને રાયબ ફકીરની અટકાયત કરી હતી. આ ઉપરાંત બે બોલેરો કબજે કરી લેવામાં આવ્યા છે, 21 જેટલા અબોલ જીવને રાજકોટના પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મોરબીના ગૌરક્ષકોની જાગરૂકતાના કારણે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અબોલ પ્રાણી જીવોને બચાવવામાં સફળતા મળી છે.
પોલીસે કારની શોધખોળ શરૂ કરી
કચ્છથી જામનગર જિલ્લામાં પ્રવેશ સુધી બોલરોની આગળ જતી કાર દ્વારા પાયલોટિંગ કરાતું હતું. પરંતુ ગૌરક્ષકો આવી જતાં તે કારચાલક ભાગી છુટવામાં સફળ થયો હતો. જોડિયા પોલીસ આ કારના નંબરના આધારે શોધખોળ શરૂ કરી છે.