Get The App

દેશના અતિકુપોષિત ટોપ-10 જિલ્લામાં 5 ગુજરાતના, સરકારના દાવાઓની પોલ ખૂલી, સુપોષિતમાં એક પણ નહીં

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
દેશના અતિકુપોષિત ટોપ-10 જિલ્લામાં 5 ગુજરાતના, સરકારના દાવાઓની પોલ ખૂલી, સુપોષિતમાં એક પણ નહીં 1 - image


Gujarat News: ગુજરાતમાં 30 વર્ષના એકહથ્થુ શાસન પછી પણ કુપોષણનું લાંછન ભૂંસાયુ નથી. કુપોષણમુક્તના નારાં ગુંજી રહ્યાં છે ત્યારે કરોડોના આંધણ પછીય ગરીબ-આદિવાસી બાળકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે  મુજબ,  દેશમાં અતિકુપોષિત ટોપ 10 જિલ્લાની યાદી જાહેર કરાઇ છે, જેમાં વિકસિત ગુજરાતના પાંચ જિલ્લા છે જે પરથી એ વાત સાબિત થઇ છે કે, ગુજરાત સરકાર કુપોષણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. એવો આક્ષેપ થઈ રહ્યો છે કે,  કુપોષણના નામે ભ્રષ્ટ અધિકારી અને મળતિયા તંદુરસ્ત અને પોષિત બન્યા છે પણ બાળકો તો કુપોષત જ રહ્યાં છે. 

ડાંગ, પંચમહાલ, નર્મદા, દાહોદમાં કુપોષિત બાળકો વધુ

ગુજરાતમાં આજે વસ્તીના પ્રમાણમાં પૂરતા આંગણવાડી કેન્દ્રો નથી. કેટલાય આંગણવાડી કેન્દ્રો-ભાડાના મકાનમાં/જર્જરિત મકાનમાં ચાલે છે. પીવાનું પાણી, વિજળી જ નહીં, શૌચાલય સુધ્ધા નથી. આ સ્થિતિ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું હતું કે, આંગણવાડી બહેનો-તેડાગરોને સરકારી તાયફામાં ભીડ ભેગી કરવા ટાર્ગેટ અપાય છે. ભારતમાં 33 લાખ બાળકો કુપોષિત છે જેમાં અડધોઅડધ બાળકો અતિ ગંભીર કુપોષિત છે તેમાં ગુજરાત ટોપ પર રહ્યું છે. 

આ પણ વાંચોઃ સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું AMC હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે

આંગણવાડીની કથળતી હાલત

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, ગુજરાતમાં ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપી જિલ્લામાં સૌથી વઘુ બાળકો કુપોષિત છે. મહત્ત્વની વાત એ છે કે, સુપોષિત ટોપ 10 જિલ્લામા ગુજરાતનો એકપણ જિલ્લો નથી. ગુજરાત 39.7 ટકા બાળકોમાં સૌથી વધુ કુપોષિત છે.આંગણવાડીની વર્કર આજે હેરાન પરેશાન છે કેમકે, આંગણવાડી ઉપરાંત તેમની પાસે અન્ય કામો લેવામા આવે છે . બધીય સરકારી યોજનાના કામોમાં જોતરી દેવાય છે. આ કારણોસર આંગણવાડી વર્કરોને બાળકો માટે સમય હોતો જ નથી. આ સ્થિતીમાં બાલકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું કેવી રીતે. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યાં પછીય સરકાર પગાર આપવા તૈયાર નથી. એવો દાખલો ટાંકવામાં આવ્યો કે, કેટલાય સ્થળોએ બે બે કેન્દ્રો ભેગા બેસે છે. પાટણ જિલ્લાના એક ગામમાં આંગણવાડી વર્કરના જર્જરીત ઘરમાંથી ચાલે છે જ્યાં વીજળી નથી, પીવાના પાણીની સવલત નથી. વાસણો અથવા રમકડાં નથી. એ જ ગામના એક વયોવૃદ્ધ કહે છે, ’હવે આવા વાતાવરણને કારણે અમે અમારાં બાળકોને આંગણવાડીમાં મોકલતા નથી.

આંગણવાડી બહેનોને મોબાઈલ પેટે 10 હજાર હજુ ચૂકવાયા નથી. સિમકાર્ડ કામ કરતાં નથી એટલે બહેનો પોતાના ખર્ચે ઈન્ટરનેટ ઉપયોગ કરી કામગીરી કરી રહી છે. આંગણવાડી પ્રત્યે સરકારનું ઘ્યાન જ નથી. આ જોતાં કુપોષણ પર કાબુ મેળવવામાં સરકાર ધરાર નિષ્ફળ રહી છે. 

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં પેન્શનધારકોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આક્રોશ

3.82 કરોડના મશીન ખરીદાયા પણ બાળકોને શુઘ્ધ પાણી મળ્યું નહીં

આંગણવાડીમાં બાળકોને પીવાનું પાણી મળતુ નથી તેવી સ્થિતી હોવા છતાંય સરકારે આ દિશામાં ધ્યાન આપ્યુ નથી. કેગના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, 3.82 કરોડના ખર્ચે મશીન ખરીદાયા હતાં તેમ છતાંય બાળકોને શુદ્ધ પાણી મળી શક્યુ ન હતુ. પાણી શુદ્ધ કરવાના સાધનો વણવપરાયેલાં જ પડી રહ્યાં હતાં. આમ, કુપોષણના નામે ખર્ચ કરાય છે પણ હકીકતમાં બાળકોને તેનો લાભ મળતો નથી.

ગુજરાતના 1032 આંગણવાડીમાં પીવાનું પાણી જ નથી

રાજ્યમાં આંગણવાડીઓ પ્રત્યે સરકારે પૂરતુ ધ્યાન આપ્યુ નથી તેના કારણે આજે 8452 આંગણવાડી તૂટેલા-ફૂટેલા મકાનમાં છે જ્યારે 3381 આંગણવાડી કામચલાઉ ચાલે છે. 30 આંગણવાડી તો ખુલ્લી જગ્યામાં છે. 1299 આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી. 1032 આંગણવાડીમાં પીવાના પાણી આવતુ નથી. ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર, ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, લેડી સુપરવાઈઝર અને આંગણવાડી વર્કર્સ તેમજ હેલ્પર્સની કુલ 5532 જગ્યા ખાલી છે. ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરની ૫૫.૯૫ ટકા જગ્યા ઘણાં વખતથી ભરાતી છે.

Tags :