સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું AMC હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે
AMC To Train 6 Municipalities: રાજ્ય સરકારે ગુજરાતના નાના ટાઉનથી લઈ નગરો અને મોટા શહેરોમાં જાહેર સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના માટે માટે સુરત, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા મહાપાલિકા રાજ્યની 20 નગરપાલિકાઓને સ્વચ્છતાના પાઠ ભણાવવા જઈ રહી છે. નગરપાલિકાઓને ફરજિયાત 100 દિવસ ઓનલાઈન માર્ગદર્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કચરાનું વ્યવસ્થાપન, વપરાયેલા પાણીના નિકાલ સહિતનું માર્ગદર્શન આપશે
રાજ્યના મહાનગરોમાં જોવા મળતી સ્વચ્છતા ગુજરાતના નાના શહેરો સુધી પહોંચે તે માટે સરકારે ચાર મહાનગર પાલિકાને વિશેષ જવાબદારી સોંપી છે. ચારેય મહાપાલિકાઓ દ્વારા અલગ અલગ આઠ બાબતો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જાહેર પર્યટન સ્થળો અને બજારમાં એકત્રિત થતાં વેસ્ટનો કેવી રીતે નિકાલ કરવો? કચરાને કેવી રીતે અલગ કરી શકાય?, સોલિડ વેસ્ટનું વ્યવસ્થાપન વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે કરી શકાય? જાહેર શૌચાલયોની સ્વચ્છતા?, વપરાયેલા પાણીનો નિકાલ કેવી રીતે કરવો? લોકોમાં જનજાગૃતિ કેવી રીતે લાવી શકાય? તે સહિત નિયમિત આરોગ્યલક્ષી તપાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સરકાર દ્વારા નક્કી થયેલી 20 નગરપાલિકાઓને ચાર મહાપાલિકા અંતર્ગત અલગ અલગ ઝોનમાં વહેંચી દેવામાં આવી છે. આ ચારેય મહાપાલિકા લાગલગાટ 100 દિવસ સુધી સ્વચ્છતાલક્ષી નગરપાલિકાઓને અભિગમ કેવી રીતે કેળવાઈ તેના પાઠ ભણાવશે.
કઈ મહાપાલિકા દ્વારા કઈ નગરપાલિકાઓને માગદર્શન આપવામાં આવશે?
•સુરત મહાપાલિકા: માંડવી, પાલિતાણા, વલ્લભીપુર, ચલાલા, સાવરકુંડલા,
•ગાંધીનગર મહાપાલિકા: વડનગર, જામજોધપુર, માલિયા મિયાણા, કુતિયાણા, સિક્કા
•અમદાવાદ મહાપાલિકા: સાણંદ, વાંકાનેર, સલાયા, મુંદ્રા બારોઈ, રાણાવાવ
•વડોદરા મહાપાલિકા: સાવલી, લીમડી, સિહોર, સુરેન્દ્રનગર, જામરાવલ