Ahmedabad News : અમદાવાદના કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડના મકાનના રિડેવલપિંગની કામગીરી મામલે બિલ્ડર સન બિલ્ડકોનના માલિક અને તેના મળતિયાઓ સામે ગેરકાયદે કબજો કરવાને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બિલ્ડર સહિતના મળતિયાઓએ લોકોને બળજબરીપૂર્વક મકાન અને દુકાન ખાલી કરાવવા, મનસ્વી રીતે મકાનો તોડી પાડવા, વીજ પુરવઠો કાપીને રસ્તો બંધ કરવા સહિતની બાબતે લોકોને ઘણાં સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યા હોવાની ફરિયાદ ઊઠી હતી. સમગ્ર મામલે સન બિલ્ડકોનના માલિક સહિતના મળતિયાઓ સામે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કૃષ્ણનગર હાઉસિંગનું રિડેવલપિંગ કરતા બિલ્ડર અને મળતિયા સામે FIR
કૃષ્ણનગર હાઉસિંગના મકાનોનું ગેરકાયદે રિડેવલપિંગ કરવાને લઈને હાઉસિંગ બોર્ડના કમિશનર અને સ્થાનિક ધારાસભ્ય અને સાંસદોને રજૂઆતો કરી હતી. જોકે, તેમ છતાં પણ બિલ્ડરની બેફામ દાદાગીરી રોકાવાનું નામ લેતી ન હતી.
ગત 22 ડિસેમ્બરના રોજ બિલ્ડર સમીપ શાહના કહેવાથી તેના માણસોએ આખા બ્લોકમાં એક વિધવા વૃદ્ધાને બળજબરીપૂર્વક મકાન ખાલી કરાવવા માટે પહોંચ્યા હતા. જેમાં વૃદ્ધાનો સામાન ત્રીજા માળેથી ફેંકી દેવામાં આવ્યો હતો અને ધાક-ધમકી આપી હતી. તેમજ બિલ્ડરના માણસો દ્વારા વૃદ્ધાને જાતિસૂચક શબ્દો બોલીને મકાન બળજબરીપૂર્વક ખાલી કરીને બુલડોઝર ફેરવી દેવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે વૃદ્ધ મહિલા મંજુલાબેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સમીપ શાહ અને તેના મેનેજર હર્ષદ સહિત કુલ 5 લોકો વિરૂદ્ધમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, બિલ્ડરે ટેલિફોનિક દ્વારા વૃદ્ધાને મકાન ખાલી કરવા ધમકી આપી હતી. આ પછી બિલ્ડરના માણસોએ ગુંડાગર્દી કરી હતી.
ઘટનાના આઠ દિવસથી વધુ સમય થયો છતાં પોલીસે જાણે ફરિયાદ નોંધીને સંતોષ માણ્યો હોય તેમ લાગી રહ્યું છે. આટલાં દિવસ થયાં છતાં પોલીસે હજુ બિલ્ડર અને ગુંડાતત્ત્વોની સામે કોઈ પ્રકારે અટકાયતી પગલાં કે ધરપકડ કરવામાં આવી નથી. આમ બિલ્ડર અને તેના ગુંડાઓ કાયદાઓને નેવે મૂકીને પોતાના મનસ્વી પ્રકારે મકાનો ખાલી કરવાનું અને સ્થાનિક લોકોને ફરિયાદ કરવા બદલ ધાકધમકી આપવાની ઘટના સામે આવી રહી છે.


