હાઈવે પરના ‘ધ રાઈસ પ્લાઝા શોપિંગ મોલ’ની દુકાન ખરીદ્યા બાદ આઠ વર્ષથી દસ્તાવેજ ન કરનાર બિલ્ડર ત્રિપુટી સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં દુકાન વેચાણ મુદ્દે આઠ વર્ષથી દસ્તાવેજ ન કરી આપનાર બિલ્ડર પિતા-પુત્ર સહિતની ત્રિપુટી સામે કપૂરાઈ પોલીસમાં વિશ્વાસઘાત અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
સુસેન-તરસાલી રિંગ રોડ સ્થિત હીરાબાગ સોસાયટીમાં રહેતા કલ્પનાબેન ભરત ત્રિવેદીએ ફરિયાદમાં જણાવ્યું કે, વર્ષ 2017માં તેમણે તરસાલી બાયપાસ પર આવેલ ‘ધ રાઈસ પ્લાઝા શોપિંગ મોલ’માં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નં.28 રૂ.7 લાખમાં ખરીદવા નક્કી કર્યું હતું. દ્વારકેશ ઇન્ફ્રા પેઢીના ભાગીદારો મેહુલ ઘનશ્યામ પટેલ અને સાગર જયંતી અમીનને તે રકમ અલગ અલગ હપ્તામાં ચૂકવી પણ દેવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયા મુજબ દસ્તાવેજ માટે પૂછતા ભાગીદારોએ પહેલા રેરામાં ચાલી રહેલી અરજીનું કારણ બતાવ્યું, પછી કોરોનાકાળને બહાનું બનાવ્યું હતું. જેથી ફરિયાદીના પતિ ભરત ત્રિવેદી દસ્તાવેજ અંગે વાત કરવા મેહુલ પટેલને મળવા ગયા ત્યારે તેમનો પુત્ર હર્ષ મેહુલ પટેલ ઉશ્કેરાઈ ગયો હતો. અને ફરિયાદીના પતિને ગાળો આપી ઓફિસની બહાર તગેડી મૂકી ધમકી આપી હતી. સાથે જ દુકાન માટે તે વખતે નક્કી થયેલી કિંમતની જગ્યાએ હાલની બજાર કિંમત મુજબ રૂપિયા ચૂકવવાની માંગણી કરી હોવાનું જણાવાયું છે. કપૂરાઈ પોલીસે મેહુલ ઘનશ્યામ પટેલ, સાગર જયંતી અમીન અને હર્ષ મેહુલ પટેલ સામે વિશ્વાસઘાત, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.









