For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉંઝા ખેતીવાડી બજારના બોગસ લાઈસંસ આધારે બેંકોમાં 640 કરોડની હેરાફેરીઃ છ સામે ફરિયાદ

Updated: Aug 31st, 2022

ઉંઝા ખેતીવાડી બજારના બોગસ લાઈસંસ આધારે બેંકોમાં 640 કરોડની હેરાફેરીઃ છ સામે ફરિયાદ

અમદાવાદ,તા.31 ઓગષ્ટ 2022,બુધવાર

ઉંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના બોગસ લાઈસંસ બનાવીને જૂદી જૂદી બેંકોમાં ચાર યુવકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને કાળા નાણાંને સફેદ કરવા માટે બે માસ્ટર માઈન્ડ સહિત છ જણાએ ૨૦૨૦ના સમયગાળામાં ૬૩૦ કરોડથી વધુની રકમની હેરાફેરી કરી કૌભાંડ આચર્યું હતું. એક યુવક પર આવેલી ઈન્કમટેક્સની નોટિસ બાદ સમગ્ર રેકેટનો પર્દાફાશ થતા ઘાટલોડીયા પોલીસે બે માસ્ટર માઈન્ડ સહિત છ જણા સામે સોમવારે રાત્રે સરકારી ટેક્સની ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ ખેત પેદાશનો વેપાર કરવાનું કહી યુવકોને ટ્રાન્ઝેકશન પર એક ટકો કમિશનની લાલચ આરોપીઓ આપતા હતા. યુવકો પણ કમિશનની લાલચમાં પોતાના ડોક્યુમેન્ટ આરોપીઓને આપતા હતા. આ ડોક્યુમેન્ટ પર આરોપીઓ લાઈસંસ અને બેંક ખાતા ખોલાવી તેમાં નાણાંની હેરફેર કરી સરકારી ટેક્સની ચોરી કરી બ્લેક મનીને વ્હાઈટ કરવાનું રેકેટ ચલાવતા હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં જણાય છે. 

ખેત પેદાશના વેપાર પર કમિશનની વાત કરી ૪ યુવકના બેંક ખાતામાં ટેક્સ ચોરીનું કૌભાંડ થયું

ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.આર.વાઘેલાએ સરકારી ટેક્સની ચોરી અંગે ધારક જગદીશ પટેલ રહે, મહાવીરકૃપા સોસાયટી, ઘાટલોડીયા, યોગેશ અમૃતલાલ મોદી રહે, ગાલા એટર્નીયા, ટીવી ટાવર, થલતેજ, ચિન્મય રસીક પટેલ રહે, પાર્થ સોસાયટી, સેટેલાઈટ, મૌલિક દિનેશભાઈ પારેખ રહે,કૌટીલ્ય ફલેટ, જોધપુર, રૂતુલ મનુભાઈ પટેલ રહે, પૂર્વી ટાવર, મેમનગર અને ઉદય ચંદ્રેશભાઈ મહેતા રહે, ગાલા એટર્નીયા, દુરદર્શન ટાવર સામે, થલતેજ વિરૂદ્ધ ટેક્સ ચોરીની ફરિયાદ કરી છે. 

પોલીસની ફરિયાદ મુજબ રૂતુલ પટેલ અને ઉદય મહેતાએ અન્ય આરોપી ધારક, યોગેશ, ચિન્મય અને મૌલિકને  ખેત પેદાશો અને મરી મસાલાના વેપાર માટે લાઈસંસ લેવાની વાત કરી તેમજ બેંક એકાઉન્ટમાં એક કરોડના ટ્રાન્ઝેકશન પર રૂ.૧૦ હજારનું કમિશન આપવાની વાત કરી હતી. અમુક આરોપીઓ સાથે કમિશન બાબતે સ્પષ્ટતા થઈ ન હોવાથી તેઓ ઉચ્ચક રકમ લેતા હોવાનું જાણવા મળ્યું હતું. રૂતુલ અને ઉદય આ યુવકોના નામે બનાવેલા એપીએમસીના બોગસ લાઈસંસ તેમજ બેંક એકાઉન્ટના સહીવાળા ચેક અને સહીવાળા આરટીજીએસ ફોર્મ પોતાની પાસે રાખતા હોવાનું ધારકના કિસ્સામાં થયું હતું. આરોપીઓએ ધારકના કરન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં ૧૨૯ કરોડના, યોગેશ મોદીના બેંક એકાઉન્ટમાં ૨૪૧ કરોડ, ચિન્મય પટેલના કરન્ટ અને સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં ૯ કરોડ અને મૌલિક પારેખના બેંક એકાઉન્ટમાં આશરે ૨૨૫ કરોડથી ૨૬૦ કરોડ સુધીનો ટ્રાન્ઝેકશન થયાનું ખુલ્યું હતું. આમ, પોલીસ ફરિયાદ મુજબ રૂતુલ પટેલ અને ઉદય મહેતાએ અન્ય ચાર આરોપી યુવકોના ખાતામાં કુલ્લે રૂ.૬૪૦ કરોડ, ૮૭ લાખ, ૧૮ હજાર, ૬૮૫ રૂપિયાનું ટ્રાન્ઝેકશન ૨૦૨૦ થી ૨૦૨૨ના સમયગાળા દરમિયાન ખુલ્યું છે. આરોપીઓની પૂછપરછ અને તપાસ બાદ સ્પષ્ટ થશે સમગ્ર શું છે? પોલીસની પ્રાથમિક તપાસમાં બ્લેકમની વ્હાઈટ કરવા માટે ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતીના બોગસ લાઈસંસ બનાવી તેની આડમાં આરોપીઓએ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેકશન કરી સરકારી ટેક્સની ચોરી કરી સમગ્ર કૌભાંડ આચર્યું છે. 

અરજદાર જ આરોપી નીકળ્યો!

ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ આ મામલે ધારક પટેલે અરજી કરી ફોડ પાડયો કે તેના નામે ઉંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીનું બોગસ લાઈસંસ બનાવી બેંક એકાઉન્ટો ખોલાવી સહીવાળી ચેક બૂક અને આરટીજીએસ ફોર્મ પોતાની પાસે રાખી આરોપીઓએ ઠગાઈ કરી છે. આરોપીઓએ અરજદારના સો કરોડથી વધુના ટ્રાન્ઝેકશન કરી એક કરોડના વેપારમાં રૂ.૧૦ હજાર આપવાની વાત કરી ઠગાઈ કરી છે.આ અરજીની તપાસમાં ખૂલ્યું હતું કે, ઉંઝા ખેતીવાડી બજારના પાંચ જેટલા બોગસ લાઈસંસ બન્યા હતા.  

ઈન્કમટેક્સની નોટીસ આવતા ધારકે પોલીસમાં અરજી કરી 

ધારક પટેલના બેંક ખાતામાં ૨૦૨૦માં ૧૨૯ કરોડના ટ્રાન્ઝેકશન થયા હોવાથી ઈન્કમટેક્સે નોટીસ મોકલી જવાબ માંગ્યો હતો. આ નોટીસ બાદ ધારકે પોલીસને અરજી કરી તેની સાથે ઠગાઈ થયાની રજૂઆત કરી હતી. આ અરજીની તપાસ ઘાટલોડીયા પોલીસે કરી બાદમાં ક્રાઈમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાને સોંપાઈ હતી. આ મામલે ગુના દાખલ આર્થિક ગુના નિવારણ શાખાએ મંજૂરી માંગતા પોલીસ કમિશનરે ઘાટલોડીયા પોલીસને ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. 

Gujarat