Gujarat

સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ

By GS TEAM
17 Oct 20252 mins read
સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ

ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામમાં

કારીગરે ઊંચા અવાજે પછીથી આવે તેવું કહ્યા બાદ મામલો બિચક્યો ઃ પેથાપુર પોલીસમાં ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામમાં સલૂનની દુકાનના કારીગરે ઊંચા અવાજે પછીથી આવો તેવું કહેતા મામલો બીચક્યો હતો અને યુવાન ઉપર દુકાન માલિક સહિત ચાર વ્યક્તિઓએ હુમલો કરી દેતા ઈજાઓ પહોંચી હતી. જેથી આ સંદર્ભે પેથાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામમાં રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા ગજેન્દ્રસિંહ નટવરસિંહ વાઘેલા ગઈકાલે વાસણ ગામમાં આવેલી સલૂનની દુકાન ઉપર દાઢી કરાવવા માટે ગયા હતા. જ્યાં હાજર કારીગર દ્વારા તેમને ઉંચા અવાજે પછીથી આવો તેવું કહેવામાં આવ્યું હતું. જેના પગલે ગજેન્દ્રસિંહે ઊંચા આવા જે વાત ન કરવાનું કહેતા બંને વચ્ચે રકઝક થઈ ગઈ હતી અને જેના પગલે આ કારીગર દ્વારા દુકાનના માલિક જયરામજી કાનાજી વાઘેલાને બોલાવવામાં આવ્યા હતા અને તેમણે કારીગરનો પક્ષ લઈને ગજેન્દ્રસિંહ સાથે ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ મારામારી કરી હતી. આ દરમિયાન ધર્મેન્દ્રસિંહ જયરામજી વાઘેલા, તુરાજ જીતેન્દ્રસિંહ વાઘેલા અને જીતેન્દ્રસિંહ કાનાજી વાઘેલા પણ ત્યાં આવી ગયા હતા. જેમણે ચારે જણાએ ભેગા થઈને તેમની ઉપર હુમલો કરીને માર માર્યો હતો. જે મારામારીને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને તેમના ભાઈ ગોવિંદસિંહ પણ ત્યાં આવી ગયા હતા. જેથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ દ્વારા ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.