Gujarat

હળવદમાં સ્વદેશી મેળાનો ફિયાસ્કો! 23 સ્ટોલમાંથી ગણતરીના જ ચાલું

By GS TEAM
14 Mar 20262 mins read
હળવદમાં સ્વદેશી મેળાનો ફિયાસ્કો! 23 સ્ટોલમાંથી ગણતરીના જ ચાલું

- નગરપાલિકાના 'વોકલ ફોર લોકલ' અભિયાનને ઝાટકો

- જાગૃતિનો અભાવ અને નબળા આયોજનને કારણે ગ્રાહકોની પાંખી હાજરી : સંચાલકોએ  સ્ટોલ સંકેલી લીધા

હળવદ : સ્થાનિક ઉદ્યોગોને વેગ આપવા અને 'સ્વદેશી' ચીજવસ્તુઓના પ્રચાર માટે હળવદ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો હાલ વિવાદોના વંટોળમાં ફસાયો છે. વિનોબા ભાવે ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મેળામાં 'હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી'ના સૂત્ર સાથે કુલ ૨૩ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ નગરપાલિકાના આ ભવ્ય આયોજનના દાવાઓની પોલ ખોલી દીધી છે, જેમાં મોટા ભાગના સ્ટોલ બંધ હાલતમાં નજરે પડે છે. ૮ માર્ચથી ૧૫ માર્ચ સુધી ચાલનારા આ મેળામાં સવારે ૯ થી રાત્રે ૮ વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, પૂરતી જનજાગૃતિ અને નબળા આયોજનને કારણે મેળામાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. પરિણામે, કંટાળીને અનેક સ્ટોલ સંચાલકોએ પોતાના સ્ટોલ સંકેલી લીધા છે. જે આયોજન સ્થાનિક કારીગરોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે હતું, તે હવે માત્ર કાગળ પર જ સીમિત રહી ગયું હોય તેવું જણાય છે.

ઉલ્લેખનીય છે કે આ મેળો શરૂ થયો ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે. થોડા દિવસો પૂર્વે મેળામાં લંગરિયા નાખીને ગેરકાયદેસર રીતે વીજ જોડાણ મેળવવામાં આવ્યું હોવાનો વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. એક તરફ સરકારી તંત્ર નિયમોની વાતો કરે છે અને બીજી તરફ નગરપાલિકાના જ નેજા હેઠળના કાર્યક્રમમાં આવી બેદરકારી અને નબળું વ્યવસ્થાપન જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ નિષ્ફળ આયોજન અંગે પાલિકા તંત્ર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવે છે કે કેમ.