Get The App

ભચાઉના નંદગામમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના કમકમાટીભર્યા મોત

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
ભચાઉના નંદગામમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના કમકમાટીભર્યા મોત 1 - image

Image : AI 


kutch accident : કચ્છના ભચાઉ તાલુકાના નંદગામ નજીક આજે સવારે એક અત્યંત ભયંકર અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. એક બોલેરો ગાડી અને ટ્રક વચ્ચે થયેલી આ ધડાકાભેર ટક્કર એટલી ભીષણ હતી કે હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી પણ સામે આવી છે. 

નંદગામ નજીક અકસ્માત 

પ્રાથમિક માહિતી અનુસાર, નંદગામ નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી એક બોલેરો ગાડી અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે અચાનક સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતને પગલે બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

અકસ્માતને પગલે ટ્રાફિકજામ

અકસ્માતને પગલે હાઇવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ભચાઉ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી 

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સૌ પ્રથમ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ, ટ્રાફિકજામને હળવો કરવા અને વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા માટેની કામગીરી શરૂ કરી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ કરૂણ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.