Get The App

બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ 1 - image

ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી

મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોએ જમીનની કિંમત મુજબ વળતર અને માસિક ભાડાની માંગ કરી

બગોદરા - બાવળા તાલુકાના રૃપાલ, આદરોડા, ઝેકડા, સાકોડ વાસણા, કોચરિયા અને સાલજડા ગામના સીમ વિસ્તારમાં ટોરેન્ટ કંપની દ્વારા ૬૬ કેવી હાઇટેન્શન લાઇનના થાંભલા (ટાવર) નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોની જાણ બહાર કે તેમની લેખિત મંજૂરી લીધા વિના જ ખેતરોમાં મોટા વીજપોલ ઊભા કરી દેવામાં આવ્યા છે.

જમીનનો ઉપયોગ કરવા બદલ જે યોગ્ય વળતર મળવું જોઈએ તે હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. વીજપોલને કારણે ખેતી લાયક જમીનનો મોટો હિસ્સો વેડફાય છે અને ખેતીકામમાં કાયમી અવરોધ ઊભો થાય છે.

આવેદનપત્રમાં ખેડૂતોએ માંગ કરી છે કે જો તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવે તો તેમને યોગ્ય વળતર મળવું જ જોઈએ. તેમજ જ્યાં સુધી વીજપોલ ખેતરમાં રહે, ત્યાં સુધી ખેડૂતને તેનું માસિક ભાડું આપવામાં આવે.  ખેડૂતની મંજૂરી વગર કોઈપણ પ્રકારનું બાંધકામ કે કામગીરી તાત્કાલિક અટકાવવામાં આવે.

મામલતદારને આવેદન આપતી વખતે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં વળતર અને ભાડા અંગે સંતોષકારક નિર્ણય નહીં લેવાય, તો કામગીરી અટકાવવા માટે તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.