વડોદરાઃ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઇની ખરીદી માટેની પોલિસી એકાએક બદલાતાં ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરાતાં ખેડૂતો દ્વારા પાકની નોંધણી કરાવવામાં આવી હતી.પરંતુ હવે ખરીદીનો સમય આવ્યો છે ત્યારે સરકારે ખરીદી પર મર્યાદા લાદી દેતાં ખેડૂતોને મોટો ફટકો પડયો છે.
ડભોઇ અને કરજણના ખેડૂતોએ આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી નારાજગી વ્યક્ત કરી એકાદ બે દિવસમાં જ આંદોલનની ચીમકી આપી છે.તેમણે કહ્યું છે કે,સરકાર દ્વારા જેટલો પાક ઉતરશે તેટલી ખરીદીની વાતો કરવામાં આવી હતી અને હવે બાજરીમાં ખેતર દીઠ ૨૦૦૦ કિલો,જુવારમાં ૧૦૦૦ કિલો અને મકાઇમાં ૧૫૦૦ કિલોની મર્યાદા મૂકી દીધી છે.
ખેડૂતોએ કહ્યું છે કે,જેમણે વધારે અનાજ પકવ્યું હોય તેવા ખેડૂતો વધારાના અનાજનું શું કરશે?ચોમાસું માથે બેઠું છે છતાં ખરીદીમાં વિલંબ થવાનું કારણ શું ? ખરીદીમાં વિલંબ થવાથી ખેડૂતોને થનારા નુકસાન માટે જવાબદારી કોણ લેશે?શું ખેડૂતોને ખાનગી વેપારીઓ પાસે ધકેલવાનો કારસો નથીને? સરકાર અમારી રજૂઆત નહિ સાંભળે તો ના છૂટકે અમારે રજૂઆતની ભાષા બદલવી પડશે.
સરકારે આપેલા તુવેરના બીયારણનો પાક ખુદ સરકાર સ્વીકારવા તૈયાર નથી
વડોદરા જિલ્લામાં ખેડૂતોને આપેલું મફતનું બીયારણ ખેડૂતોને માથે પડયું હોવાની વિગતો જાણવા મળી છે.
પ્રાથમિક વિગતો મુજબ,સરકાર દ્વારા તુવેરનો પાક વધારવા માટે ગ્રામસેવકો અને તલાટીઓ દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે તુવેરના બીયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેડૂતોએ આ બીયારણનો લાભ લઇ ખેતી કરતાં સારી એવી ઉપજ પણ થઇ હતી. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાનો વખત આવ્યો ત્યારે ખુદ સરકાર જ તેમના બીયારણમાંથી પકવેલી તુવેરને સ્વીકારવા તૈયાર નહિ હોવાના કિસ્સા ચર્ચામાં આવ્યા છે.જેથી ખેડૂત સમાજના પ્રમુખ બિપિન પટેલે આ મુદ્દે રજૂઆત કરવા માટે ભોગ બનેલા ખેડૂતોને સંપર્ક કરવા અપીલ કરી છે.
કરજણ એપીએમસીમાં તા.15મીથી ખરીદી શરૃ થનાર હતી,ખેડૂતોને ધક્કો પડયો
વડોદરા જિલ્લાની કરજણ બજાર સમિતિમાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી હોવાની ફરિયાદો ઊઠી છે.
ખેડૂતોનું કહેવું છે કે,કરજણ એપીએમસીના પ્રમુખ જયદિપસિંહ ચૌહાણે અમને તા.૧૫મી મે થી ખરીદી કરવાનું વચન આપ્યું હતું.પરંતુ હજી ખરીદી શરૃ થઇ નથી અને ખેડૂતો ધક્કા ખાઇ રહ્યા છે.
આ ઉપરાંત કરજણ બજાર સમિતિમાં આવતા ખેડૂતો માટે ભર ઉનાળે પાણીની પણ સુવિધા નહિ હોવાથી ખેડૂતોને હેરાન થવાનો વખત આવ્યો છે.


