Gujarat

પાટણમાં મામલતદાર કચેરીમાં 7-12 ના ઉતારા મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો

By GS Team
7 Dec 20182 mins read
This article was originally published on 7 Dec 2018
પાટણમાં મામલતદાર કચેરીમાં  7-12 ના ઉતારા મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો

પાટણ, તા. 6 ડિસેમ્બર, 2018, ગુરૃવાર

પાટણ મામલતદાર કચેરીના ઈધરા કેન્દ્ર ખાતે જમીનના ૭-૧૨ ના ઉતારાની નકલો મેળવવા માટે ખેડૂતોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચાલુ વર્ષે જિલ્લામાં ચોમાસુ નિષ્ફળ જવાના કારણે સરકારે પાટણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે તે નિયમ મુજબ અછતની સહાય મેળવવા માટે ૭-૧૨ ના ઉતારાની નકલો મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળે છે.

પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ નિષ્ફળ જવાના કારણે જગતનો તાત ખેડૂત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. સરકારે નર્મદાની કેનાલોમાં પાણી છોડવાની જાહેરાત કરી હોવા છતાં સિંચાઈનું પાણી ન મળવાના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. 

બીજી તરફ સરકારે જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરતાં જમીનોના નવા નીતિ નિયમ મુજબ અછતની સહાય ખેડૂતોને ચુકવવા માટે જમીનોના ઉતારાની નકલોની તાતી જરૃરિયાત હોય છે ત્યારે પાટણ મામલતદાર કચેરીના ઈધરા કેન્દ્ર ખાતે પાટણ પંથક સહિત જિલ્લાના ખેડૂતો ૭-૧૨ તેમજ ૮- અ ના ઉતારાની નકલો મેળવવા માટે ઈ ધરા કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

ઈ ધરા કેન્દ્રમાં રોજના ૨૫૦૦થી વધુ ઉતારા ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ શાખામાંથી અઢી લાખ ખેડૂતોને જમીનોના ૭-૧૨ ના ઉતારા કાઢી આપવામાં આવ્યા છે. 

 બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત કચેરી ખાતેથી ખેડૂતોને ઉતારા ન મળવાના કારણે તેઓને પાટણ મામલતદાર કચેરી ખાતે લાંબા થવુ ંપડે છે.

વહીવટી તંત્ર દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ગ્રામ પંચાયતોમાંથી  જ ખેડૂતોને જમીનના ઉતારા મળે તેવી વ્યવસ્થા કરવામાં ખેડૂતોએ માંગ કરી છે.

ખેડૂતોની આ માંગ સંદર્ભે પાટણના નાયબ મામલતદારે જણાવ્યું હતું કે ગ્રામ્ય કક્ષો ઉતારા આપવા માટે વીસીની નિમણુંક કરાઈ છે. જે પંચાયત તલાટીના નેજા હેઠળ કામ કરે છે. વીસી સ્ટેશનરીની માંગ કરે તો પાટણ મામલતદાર કચેરી ખાતેથી આ સામગ્રી પુરી પાડવામાં આવશે જેથી ખેડૂતોને પોતાના ગામમાં જ ઉતારા મળી શકશે.

પાટણ મામલતદાર કચેરીના ઈ ધરા કેન્દ્ર ખાતે અછતની સહાય મેળવવા માટે જરૃરી એવા જમીનોના ઉતારા મેળવવા માટે ખેડૂતોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.