Gujarat

'ખેડૂતની પુત્રી જન્મથી જ ખેડૂત...', મહિલાઓની સંપત્તિના અધિકારો અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

By GS Team
19 Sep 20263 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે મહિલાઓના સંપત્તિ અધિકારોનું રક્ષણ કરતા મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું કે, ખેડૂત પુત્રી લગ્નથી કે મહેસૂલી રેકોર્ડમાંથી નામ કઢાવવાથી ખેડૂતનો દરજ્જો ગુમાવતી નથી. જસ્ટિસ દિવ્યેશ એ. જોષીએ પોરબંદર કલેક્ટરનો 19-8-2016નો આદેશ રદ કરી, અરજદાર બહેનનું નામ રેવન્યુ રેકોર્ડમાં પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો. આ કેસ રાજકોટના જામકંડોરણાનો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'ખેડૂતની પુત્રી જન્મથી જ ખેડૂત...', મહિલાઓની સંપત્તિના અધિકારો અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Gujarat High Court News: મહિલાઓના સંપત્તિના અધિકારોનું રક્ષણ કરતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં, ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રીનું લગ્ન થઈ જવાથી અથવા તેના નામની મહેસૂલી નોંધમાં છેડછાડથી તેનો ખેડૂત તરીકેનો દરજ્જો સમાપ્ત થઈ જતો નથી. ખેડૂતની પુત્રી જન્મથી જ ખેડૂત તરીકેનો કાયદાકીય દરજ્જો ધરાવે છે, પછી ભલે તે લગ્ન કરે અથવા તેના ભાઈ દ્વારા કૌટુંબિક જમીનના રેકોર્ડમાંથી તેનું નામ છેતરપિંડીથી દૂર કરવામાં આવ્યું હોય. જસ્ટિસ દિવ્યેશ એ. જોષીએ પોરબંદર કલેક્ટરનો 19-8-2016નો દાયકા જૂનો વિવાદીત હુકમ રદ નાંખ્યો હતો અને અરજદાર બહેનનું નામ રેવન્યુ રેકોર્ડમાં દર્શાવતી 26-5-1990ની એન્ટ્રીઓ પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો.

ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રીનું લગ્ન થવાથી કે તેના નામની મહેસૂલી નોંધમાં છેડછાડ કરી કાઢી નાંખવાથી તેનો ખેડૂતનો દરજ્જો ગુમાવતી નથી

અરજદાર જસુમતીબહેન નવલદાસ દસાણી તથા અન્યૌના કેસમાં જસ્ટિસ દિવ્યેશ એ. જોષીએ પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું કે, હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં થયેલા તાજેતરના સુધારા મુજબ, હવે પુત્રીને પણ પિતાની સંપત્તિમાં સહ વારસદાર તરીકે ગણવામાં આવે છે. માત્ર મહેસૂલી રેકોર્ડમાંથી બહેનનું નામ દૂર કરવાથી કે કાઢી નાંખવાથી અને તે પણ છેતરપિંડી દ્વારા તેનો ખેડૂત તરીકેનો પોતાનો દરજ્જો સમાપ્ત થઈ જતો નથી.

હાઈકોર્ટના જમાવ્યાનુસાર સત્તાધિકારી એ હકીકત ધ્યાને લેવામાં નિષ્ફળ રહ્યા છે કે, ખેડૂત પ્રમાણપત્ર સ્પષ્ટ દર્શાવે છે કે, અરજદારના ભાઈ રમેશ પાસે ખેતીની જમીન છે, જે તેને વારસામાં મળી હતી, તેથી ખેડૂતની પુત્રી હોવાના કારણે અરજદાર બહેન પણ ખેડૂત તરીકેનો દરજ્જો ધરાવે જ છે. અરજદાર બહેનને જે તે તલાટી-કમ-મંત્રીનું ખેડૂતનું પ્રમાણપત્ર રેકોર્ડની ચકાસણી બાદ આપવામાં આવ્યું હતું. તેથી અરજદારે બનાવટી દસ્તાવેજોના આધારે ખેડૂતનો દરજ્જો મેળવ્યો હોવાનું કહી શકાય નહીં. કોર્ટના મતે તે (અરજદાર બહેન) મૂળથી જ ખેડૂત હતી.

હાઈકોર્ટનું સૌથી મહત્વનું અવલોકન એ રહ્યું કે, અરજદારના દાદા ખેડૂત હતા અને તેમની ખેતીની જમીન તેમના ત્રણ પુત્રોમાં વહેંચાઈ હતી, જેમાં અરજદારના પિતા પણ સામેલ હતા. તેથી અરજદાર ખેડૂતની પુત્રી અને પૌત્રી હોવાથી જન્મથી જ ખેડૂતનો દરજ્જો ધરાવતી હતી. માત્ર તેનું નામ મહેસૂલી રેકોર્ડમાંથી કથિત છેતરપિંડીથી કાઢી નાંખવામાં આવ્યું હોવાના કારણે તેનો ખેડૂત દરજ્જો ખતમ થઈ શકે નહીં.

હાઈકોર્ટે વધુમાં નોંધ્યું કે અરજદારે ખરીદેલી જમીન બાદમાં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો દ્વારા તૃતીય પક્ષોને વેચી દેવામાં આવી હતી અને તેની મહેસૂલી એન્ટ્રીઓ પણ કરવામાં આવી હતી. આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે કલેક્ટરનો 19મી ઓગસ્ટ 2016નો દાયકા જૂનો વિવાદીત હુકમ રદ નાંખ્યો હતો અને અરજદાર બહેનનું નામ રેવન્યુ રેકોર્ડમાં દર્શાવતી 26-5-1990ની એન્ટ્રીઓ પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો.

ભાઈએ છેતરપિંડી કરીને જમીન પચાવી પાડતા બહેન હાઈકોર્ટ પહોંચી હતી

રાજકોટના જામકંડોરણા તાલુકાના જસપર ગામે અરજદાર બહેન જસુમતીબેનના પિતા નાથાલાલના 1967માં અવસાન બાદ ભાઈ રમેશે તેની સાથે છેતરપિંડી આચરી અને બનાવટી દસ્તાવેજો દ્વારા મહેસૂલી રેકોર્ડમાંથી તેમનું નામ દૂર કરાવી નાંખ્યું હતું અને આ કારણથી અરજદાર બહેને ખેડૂત તરીકેનો પોતાનો કાયદેસરનો અધિકાર ગુમાવ્યો હતો. જસુમતીબહેન તેમના પરિવારની ખેતીલાયક જમીનના આધારે સ્થાનિક મહેસૂલી અધિકારીઓ દ્વારા જારી કરાયેલા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરીને 1990માં ખેતીની જમીન ખરીદી હતી.

સત્તામંડળ સમક્ષ ત્રીજા પક્ષકારોએ વાંધો ઉઠાવ્યો હતો કે તે ખેડૂત નથી કારણ કે મૂળ જમીન રેકોર્ડમાં તેનું નામ દર્શાવેલું નથી. આ વાંધાને પગલે સત્તામંડળે કાર્યવાહી હાથ ધરી સુઓમોટો પગલાં લઈને જમીન વ્યવહારો અંગેની મહેસૂલી રેકોર્ડની નોંધો રદ કરી હતી, કારણ કે બિન-ખેડૂત વ્યક્તિ ખેતીની જમીનના વ્યવહારો કરી શકતી નથી. જે ને પગલે પીડિત બહેન દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના મહત્ત્વના અવલોકનો

•ખેડૂતની પુત્રી જન્મથી જ ખેડૂત, લગ્ન કે મહેસૂલની નોંધમાં છેડછાડ કે ચેડાંથી ખેડૂતનો દરજ્જો સમાપ્ત ના થઈ શકે
•1990ની એન્ટ્રીઓ સામે સત્તાવાળાઓ દ્વારા 19 વર્ષ બાદ સુઓમોટો રીતે રિવિઝનલ સત્તાનો ઉપયોગ કરાયો
•કાયદામાં ચોક્કસ સમયમર્યાદા ના હોય તો પણ રિવિઝનલ સત્તાનો ઉપયોગ વાજબી સમયગાળામાં થવો જરૂરી
•અંતિમ નિર્ણય પહેલાં કાયદામાં સુધારો થાય તો પક્ષકારોને તે અંગે યોગ્ય તક આપવી જરૂરી
•તક આપ્યા વિના સુધારેલી જોગવાઈના આધારે નિર્ણય કરવો કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધનું
•હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં થયેલા તાજેતરના સુધારા મુજબ, હવે પુત્રી પણ પિતાની સંપત્તિમાં સહ વારસદાર