પાક નુકસાનીમાં ડિજિટલ સર્વેના ગતકડાંથી ખેડૂતોમાં રોષ, કૃષિ એપ તો ખૂલતી જ નથી

AI Image |
Gujarat Farmer: કમોસમી વરસાદ બાદ હવે સરકારે ખેડૂતો જાતે નુકસાનીનો સરવે કરે તેવી સુવિધા કરી છે. જોકે, મુશ્કેલી એ થઈ છે કે, અભણ ખેડૂતોને મોબાઇલ એપનો ઉપયોગ આવડતો નથી. આ ઉપરાંત નેટવર્કના અભાવે કૃષિ પ્રગતિ એપ ખુલતી જ નથી. આ બધાય ધાંધિયાને કારણે ખેડૂતોએ ડીજિટલ સરવેનો વિરોધ નોંધાવ્યો છે.
સર્વર ઠપ્પ થતાં ખેડૂતોને હાલાકી
ગુજરાતમાં મગફળી, કપાસ અને સોયાબીન જેવો મહામૂલો પાક નિષ્ફળ ગયો છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો જાતે પાકની નુકશાનીનો અંદાજ મેળવી શકે તે માટે કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. જેમાં ખેડૂતો ફોટા સાથે બધી વિગતો અપલોડ કરી કૃષિ વિભાગને માહિતી મોકલી શકે છે. જોકે, ગામડાઓમાં મોબાઇલ નેટવર્કનો પ્રશ્ન છે જેના કારણે સર્વર ઠપ્પ રહ્યુ હતુ. ખેડૂતોએ બે ત્રણ કલાકથી રજીસ્ટ્રેશન માટે મથામણ કરી છતાંય રજિસ્ટ્રેશન થઇ શક્યુ ન હતું તેવી ફરિયાદ ઉઠી છે.
ખેડૂતોમાં રોષ
ખેડૂતોનું કહેવું છે કે, અભણ ખેડૂતોને ખ્યાલ પણ નથી હોતો કે, કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ કેવી રીતે કરવો. સાદો મોબાઇલ ફોન હોય તે કેવી રીતે પાક નુકશાનીનો સરવે કરી શકે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન કર્યા વિના ડિજિટલ નુકશાની કરી શકાય નહીં. આ બધાય પ્રશ્નોને લીધે ખેડૂતો રોષે ભરાયાં છે.
પાક નુકસાનીના સરવેનો વિરોધ
ઉનાના કાજરડી ગામમાં ખેડૂતો ગ્રામ પંચાયતમાં પાક નુકસાનીના સરવેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ ખેતીવાડી અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. અરવલ્લી ઉપરાંત રાજુલા તાલુકાના 72 ગામોના સરપંચોએ ડિજિટલ સરવે સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

