રજિસ્ટ્રેશનને લઈ માલિકોમાં નિરસતા , અમદાવાદમાં દસ મહીનામાં માત્ર ૧૮ હજાર પેટ ડોગનુ રજિસ્ટ્રેશન
પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન નહીં કરાવનાર માલિકોને નોટિસ અપાશે
અમદાવાદ,શુક્રવાર, 31 ઓકટોબર,2025
રેબીસ ફ્રી અમદાવાદ-૨૦૩૦ અંતર્ગત આ વર્ષે જાન્યુઆરીથી
અમદાવાદમાં પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવાયુ છે. એક અંદાજ
મુજબ અમદાવાદમા ૫૦ હજારથી વધુ પાલતુ કૂતરાં રાખવામા આવી રહયા છે. દસ મહીનામા માત્ર
૧૮૭૫૩ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન કરાવાયુ છે.પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન નહીં
કરાવનારા માલિકોને આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારાશે એમ સત્તાવાર
સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
આ વર્ષે મે મહીનામાં રામોલ હાથીજણ વિસ્તારમાં આવેલ રાધે
રેસિડન્સીમા રોટ વિલર નામના પેટ ડોગ દ્વારા ચાર મહીનાની બાળકી ઉપર હુમલો કરાતા
બાળકીનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. કોર્પોરેશન દ્વારા ૧ ઓકટોબરથી ૩૧ ડિસેમ્બર-૨૫ સુધી પ્રતિ પેટડોગ
રજિસ્ટ્રેશન ફી રુપિયા બે હજાર કરવામા આવી છે.તંત્રના પ્રયાસ છતાં પાલતુ કૂતરાં
રાખનારા માલિકોમાં તેમના પાલતુ કૂતરાંના રજિસ્ટ્રેશન કરાવવાને લઈ જાગૃતતા જોવા
મળતી નથી.૨૭ ઓકટોબર સુધીમા ૧૬૬૪૧ માલિકો દ્વારા કુલ ૧૮૭૫૩ પેટડોગનુ રજિસ્ટ્રેશન જ
કરાવાયુ છે.
કઈ બ્રીડના કેટલા પેટડોગનુ રજિસ્ટ્રેશન
બ્રીડ રજિસ્ટ્રેશન
લેબ્રાડોર ૩૫૫૯
જર્મન શેફર્ડ ૧૩૫૯
સિહત્ઝૂ ૧૨૮૭
ગોલ્ડન રીટ્રીવર ૧૨૩૦
પોમેરીયન ૯૮૮
બીગલ ૫૦૫
સાઈબેરીયન હસ્કી ૪૧૪
રોટવિલર ૩૨૬
પગ ૩૬૩
અન્ય ૬૫૪

