Get The App

ભાવનગરમાં છેલ્લા 5 માસથી હવાઈ સેવાઓ બંધ, અન્ય શહેરોમાં વેપારી સહિતને જવામાં પડતી મૂશ્કેલી

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં છેલ્લા 5 માસથી હવાઈ સેવાઓ બંધ, અન્ય શહેરોમાં વેપારી સહિતને જવામાં પડતી મૂશ્કેલી 1 - image


- મુંબઈ, પુના, સુરત અને દિલ્હી વગેરે સાથેની એર કનેક્ટિવિટી શરૂ નહિં કરી કરાતો અન્યાય 

- કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રીએ હૈયાધારણા આપ્યા બાદ પણ હવાઈ સેવા શરૂ ન કરાઈ, હવાઈ સેવા શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની માંગણી 

ભાવનગર : ભાવનગરમાં છેલ્લા પાંચ માસથી હવાઈ સેવાઓ બંધ છે ત્યારે ભાવનગરથી મુંબઈ, પુના, સુરત અને દિલ્હી વગેરે શહેરો સાથેની એર કનેક્ટિવિટી શરૂ કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી યોગ્ય પગલા લેવામાં આવેલ નથી.  

ભાવનગરથી મુંબઈ અને પુનાની હવાઈસેવાઓ ગત તા. ૦૯ જુન-૨૦૨૫થી સ્પાઈસ જેટ દ્વારા બંધ થયા પછી આજદિન સુધી હવાઈસેવાઓ શરૂ થયેલ નથી તે અંગે રજૂઆત કરવામાં આવેલ છે. અગાઉ ચેમ્બર દ્વારા તેને સંલગ્ન વેપાર-ઉદ્યોગનાં એસોસિએશનો અને ઉદ્યોગપતીઓના ડેલીગેશન સાથે દિલ્હી ખાતે તા. ૦૪ જુન-૨૦૨૫ નાં રોજ ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના રાજયકક્ષાના મંત્રી સાથે રાખી કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓએ ભાવનગરની હવાઈ સેવાઓ સત્વરે શરૂ થાય તે માટે હૈયાધારણા આપી હતી પરંતુ આજદિન સુધી હવાઈ સેવાઓ શરૂ થયેલ નથી તેટલુ જ નહિ પરંતુ શિયાળુ સમયપત્રકમાં પણ ભાવનગરની હવાઈસેવાનો ઉલ્લેખ નથી. 

ભાવનગર ખાતેથી એર કનેક્ટિવિટી ઉપલબ્ધ ન હોય પ્રવાસી જનતાને ખુબ જ અગવડતા પડે છે અને લોકોને ભાવનગરથી અમદાવાદ જઈ એર કનેક્ટિવિટી મેળવવી પડે છે તેથી ઉડાન યોજના હેઠળ સમાવેશ કરી ભાવનગરથી મુંબઈ, પુના, સુરત અને દિલ્હીની એર કનેક્ટિવિટી સત્વરે શરૂ કરવા માટે કેન્દ્રના નાગરિક ઉડ્ડયનમંત્રી સહિતને અલગ-અલગ પત્રો પાઠવી  સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. 

હવાઈ સેવા બંધ હોવાથી શીપ બેક્રીંગ, ડાયમંડ સહિતના ધંધાર્થી ત્રાહિમામ 

ભાવનગર ખાતે શીપ બ્રેકીંગ, કેમિકલ, પ્લાસ્ટિક, ડાયમંડ, રોલિંગ મિલ્સ, ફૂડ પ્રોસેસિંગ વગેરે જેવા ઉદ્યોગો છે તથા ધોલેરા સરથી ભાવનગર સૌથી નજીકનું એરપોર્ટ છે છતાં હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવતી નથી તેથી ધંધાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ધંધાર્થીઓને હવાઈ સેવાઓ માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા સુધી લાંબુ થવુ પડતુ હોય છે. 

Tags :