Get The App

સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ

ફાયરિંગમાં ઇજાગ્રસ્ત યુવક હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ : આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
સાવલીના પોઇચા ગામના ફાર્મ  હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ 1 - image

સાવલી,સાવલી તાલુકાના પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસ પર ફાયરિંગ પ્રકરણમાં ફાર્મ હાઉસના માલિક અને ભાજપ કિસાન મોરચાના  પૂર્વ ઉપપ્રમુખ  છગન પટેલની  સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ભાદરવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડભોઇ તાલુકાના ધરમપુરીગામે રહેતા ખેડૂત નિમેશભાઇ રણછોડભાઇ બારીયાએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ઓળખીતાની ૨૩ વર્ષની યુવતી ગત ૧૯ મી તારીખે ઘરેથી નીકળી ગયા પછી  પરત નહીં આવતા તેના ગુમ થવાની નોંધ ડભોઇ પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. ગુમ યુવતીને શોધવા માટે સાવલી તાલુકાના પોઇચા - રાણીયા ગામે છગનભાઇ કાનજીભાઇ પટેલના ફાર્મ હાઉસ પર અમે ગયા હતા. ગેટની બહાર કાર પાર્ક કરી અમે લોકો ચાલતા ફાર્મ હાઉસમાં ગયા હતા. ત્યાં અમને વિશાલ બારીયા મળ્યો હતો. અમે તેની સાથે યુવતી અંગે વાત કરતા હતા. તે દરમિયાન તેણે ફોન કરતા  ફાર્મ હાઉસના માલિક છગનભાઇ કાર લઇને આવ્યા હતા. કારમાંથી નીચે ઉતરીને તેઓ અમારી પર ઉશ્કેરાઇને કહેવા લાગ્યા હતા કે,કોને  પૂછીને તમે ફાર્મ  હાઉસમાં અંદર આવ્યા છો. તેમની સાથે બોલાચાલી થતા તેમણે ઉશ્કેરાઇને કારમાંથી રિવોલ્વર કાઢી હવામાં એક રાઉન્ડ ફાયરિંગકર્યું હતું. ત્યારબાદ અમે  અમે ગાડીમાં બેસીને જતા હતા. તે દરમિયાન છગનભાઇએ જાનથી મારી નાખવાના ઇરાદે રિવોલ્વરમાંથી ફરીથી ફાયરિંગ કરતા કારનો પાછળનો કાચ તૂટી  ગયો હતો અને મને ડાબા ખભા પર ગોળી વાગી હતી. ભાદરવા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી છગનભાઇ પટેલની ધરપકડ કરી છે. છગનભાઇ અગાઉ વડોદરા જિલ્લા ભાજપના કિસાન મોરચાના ઉપપ્રમુખ  હતા. હાલમાં કોઇ હોદ્દો ધરાવતા નથી.


ગુમ થનાર યુવતીએ ચાર વર્ષ પહેલા વિશાલ સાથે લગ્ન કરી લીધા હતા

સાવલી, 

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, જે યુવતી ગુમ થવાની વાત હતી. તે યુવતી સાથે વિશાલ બારીયાએ વર્ષ - ૨૦૨૨માં લગ્ન કરી લીધા હતા. પરિવારે ગુમ થયાની  પોલીસમાં નોંધ કરાવતા યુવતીએ પરિવારજનોને મેરેજ રજિસ્ટ્રેશનના દસ્તાવેજો મોકલી આપ્યા છે. પરંતુ,હજી પરિણીતા ક્યાં છે, તેની કોઇ જાણ થઇ નથી.


રિવોલ્વર અને કારતૂસ કબજે : લાયસન્સ રિન્યૂ કરાવવાનું બાકી

સાવલી, 

ફાર્મ હાઉસમાં  ફાયરિંગ કરનાર સી.કે. પટેલની ધરપકડ કર્યા  પછી પોલીસે તેમની પાસેથી રિવોલ્વર અને જીવતા કારતૂસ કબજે લીધા છે. સ્થળ પરથી  પોલીસને ફાયરિંગ થયેલા બે કારતૂસના ખાલી ખોખા પણ મળી આવ્યા છે. સી.કે. પટેલની રિવોલ્વરનું લાયસન્સ ત્રણ મહિના  પહેલા  પૂરૃં થઇ  ગયું હતું. તેમણે રિન્યૂ માટે એપ્લિકેશન પણ કરી છે. જે હજી પેન્ડિંગ છે.