VIDEO | સુરત: શ્રાવણ માસમાં ફરાળી ફ્યુઝનનો જલવો, ઉપવાસ કરવાનું મન થઈ જાય તેવી અવનવી વાનગીઓ!
Farali Fusion in Surat : શ્રાવણ માસના પવિત્ર મહિનામાં અનેક શ્રદ્ધાળુઓ પોતાના મનોકામના અને શ્રદ્ધા રાખીને ઉપવાસ કરે છે. ઉપવાસમાં લોકો ફરાળી લેતા હોય છે, ત્યારે સુરતીઓ માટે ઉપવાસ પણ સ્વાદના ચટકા સાથેની અવનવી ફરાળી વાનગીઓ માણવાનો અવસર બની ગયો છે. સુરતમાં સવારથી રાત સુધીમાં તમામ પ્રકારની ફરાળી વાનગીઓ ઉપલબ્ધ રહે છે, જે જોઈને કોઈને પણ ઉપવાસ કરવાનું મન થઈ જાય!
ફરાળી ફ્યુઝન: પરંપરા અને આધુનિકતાનો સંગમ
આધુનિક સમયમાં મોટાભાગના લોકો નકોડો ઉપવાસ કરવાનું ટાળે છે. જેઓ ઉપવાસ કરે છે તેઓ પણ સુરતી સ્ટાઈલમાં સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ આરોગીને ઉપવાસ કરી રહ્યા છે. આ ડિમાન્ડને પહોંચી વળવા માટે ફરસાણના વેપારીઓ અને ફરાળી વાનગી બનાવનારાઓ ફરાળી ફ્યુઝન કરી રહ્યા છે, જેમાં પરંપરાગત વાનગીઓમાં આધુનિક ટ્વિસ્ટ આપવામાં આવે છે.
અનેક ફરાળી આઈટમ્સનું વેચાણ
સુરતના ફૂડ બજારમાં હાલ ફરાળી મનચુરિયન, ભેળ, દહીં પેટીસ, ઢોસા, ઈડલી-સંભાર, ખમણ, આલુ ચીઝ સાલ્સા, ફરાળી પાત્રા, કાજુ પાન કટલેસ, ઉત્તપમ, રાજભોગ પેટીસ, આલુ સીંગ ટીક્કી જેવી અનેક અવનવી ફરાળી આઈટમ્સનું વેચાણ થઈ રહ્યું છે. વરાછા વિસ્તારમાં ફરસાણની દુકાન ધરાવતા દેવાંગ પટેલે જણાવ્યું હતું કે, તેઓ ફેન્સી ફરાળી વાનગીઓ બનાવે છે. જેથી ઉપવાસમાં પણ લોકોને સુરતી ટેસ્ટ મળી રહે. તેમની દુકાને રાજભોગ પેટીસ, કાજુ પાન કટલેસ, કાજુ વડા, દહીં પેટીસ અને આલુ સીંગ ટીક્કી જેવી વસ્તુઓ પણ મળે છે.
ફરસાણના દુકાન માલિકે શું કહ્યું?
ચૌટા બજારમાં ફરસાણની દુકાન ધરાવતા રિદ્ધિશ ઠાકરે જણાવ્યું હતું કે, તેઓ ફરાળી રતાળુ, બટાકા અને કેળાની વેફર સાથે બટાકાનું શાક અને ફરાળી પૂરી આપે છે. આ ઉપરાંત સીંગના લાડુ, ફરાળી ખીચડી, ફરાળી સાબુદાણા વડાં, સૂકા મસાલાની કચોરી, ફરાળી પાત્રા સહિતની અનેક આઈટમો ઉપલબ્ધ છે. અડાજણના શૈલેષ પટેલ જણાવે છે કે, નવી વાનગીઓ હોવા છતાં ઘણા લોકો હજુ પણ ફરાળી પેટીસ અને ફરાળી ચેવડાનો આગ્રહ રાખે છે, અને શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને તેઓ ફરાળી વાનગીઓ અલગ તેલમાં જ બનાવે છે.
મેનુ જોઈને આશ્ચર્ય થાય તેવી ફરાળી વાનગીઓ
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક ધાર્મિક સંસ્થાની કેન્ટીનમાં ફરાળી વાનગીઓનું મેનુ જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય! અહીં એવી કોઈ વાનગી નથી જે ફરાળી ન બની શકે તેમ લાગે. આ કેન્ટીનમાં ફરાળી મનચુરિયન, ફરાળી ઈડલી સંભાર, ટામેટા ઉત્તપમ, ઢોકળા ખમણ, વધારેલું દહીં, સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસૂર ઢોસા, આલુ ચીઝ સાલ્સા સહિત અનેક ફરાળી વાનગીઓ પીરસવામાં આવે છે. આ બધું જોઈને કહી શકાય કે સુરતમાં સ્વાદ અને આસ્થાનું અદ્ભુત ફ્યુઝન થયું છે.
ફરાળી ચટણી અને હેલ્ધી ફરાળી સલાડનો નવો ટ્રેન્ડ
શ્રાવણ માસમાં ઉપવાસ કરનારાઓની મોટી સંખ્યાને કારણે ફરાળી વાનગીઓના કાઉન્ટર પણ અલગ રાખવામાં આવે છે. વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ સાથે હવે ફરાળી ચટણી પણ પીરસવામાં આવી રહી છે. આ ચટણીમાં સીંગદાણા, તલ, કોપરું અને કોથમીરનો ઉપયોગ થાય છે, જે વિવિધ ફરસાણ સાથે ઉપવાસીઓ આરોગી રહ્યા છે.
આ પણ વાંચો: જામનગરના સિક્કા સ્થિત સુખનાથ મહાદેવ મંદિરમાં રૂ. 5,55,555ની ચલણી નોટોનો અનોખો શણગાર!
ઉપવાસી અને હેલ્થ કોન્શિયસ લોકો માટે ફરાળી સલાડની પણ એન્ટ્રી થઈ છે. સુરતના અડાજણ વિસ્તારમાં સલાડની શોપ ધરાવતા કાનન ઠાકરે જણાવ્યું હતું કે, જે ઉપવાસ કરનારા લોકો તેલવાળી વાનગીઓ ટાળીને હેલ્ધી વિકલ્પ શોધતા હતા, તેમના માટે તેમણે ફરાળી સલાડ બાઉલ બનાવ્યું છે. આ સલાડમાં શક્કરિયા, રતાળુ, બ્રોકલી, દ્રાક્ષ, સુરણ, દાડમ, સીંગદાણા, વિવિધ સીડ્સ, ડ્રાય ફ્રુટ્સ અને ફરાળી મસાલાનો ઉપયોગ થાય છે. શરૂઆતમાં ઓછી ડિમાન્ડ હોવા છતાં, હવે હેલ્ધી સલાડની માગ વધી છે, કારણ કે તે ઉપવાસીઓનું એનર્જી લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે.
ફરાળી થાળી: આધુનિક ઉપવાસીઓ માટે સંપૂર્ણ ભોજન
શ્રાવણ માસમાં ઘણા શ્રદ્ધાળુઓ ઉપવાસ કરે છે, પરંતુ આધુનિક યુગમાં તેઓ લાંબો સમય ભૂખ્યા રહી શકતા નથી. કેટલાક લોકો ફરાળી વાનગીઓ આરોગી ઉપવાસ કરે છે, તો છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં ફરાળી થાળીનો વિકલ્પ પણ લોકપ્રિય બન્યો છે.
આ પણ વાંચો: સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય
સુરતમાં કેટલીક જગ્યાએ ફરાળી થાળી ઉપલબ્ધ છે. જેમાં મોરિયો, કઢી, બટાકા-સુરણનું શાક, એક સ્વીટ, રાજગરાની પૂરી, સુરણની ચિપ્સ, ફરાળી ઢોકળા-ખમણ, શક્કરિયાનો શીરો, ફરાળી પેટીસ જેવી વસ્તુઓ પીરસવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ તો ટામેટાની ગ્રેવી સાથે પંજાબી ફરાળી શાક પણ થાળીમાં પીરસવામાં આવી રહ્યું છે. આમ, સુરતમાં ઉપવાસ કરવો હવે સ્વાદ અને સંતોષ બંને સાથે શક્ય બન્યો છે.