Gujarat

પ્રેમલગ્નનની અદાવતમાં પરિવાર ઉપર તલવાર અને લાકડીઓથી હુમલો કરાયો

By GS TEAM
10 Mar 20262 mins read


ગાંધીનગર નજીક આવેલા મોટી આદરજમાં

પિતા-પુત્ર સહિત વૃદ્ધ દાદા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા ઃ ૧૧ સામે ગુનો

ગાંધીનગર :  ગાંધીનગરના મોટી આદરજ ગામમાં પ્રેમલગ્નનો જૂનો ખાર રાખીને એક જ પરિવારના ૧૧ સભ્યોએ ભેગા મળીને બીજા પરિવાર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં તલવાર અને લાકડીઓ જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધ સહિત પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મોટી આદરજ ગામના વતની વિરમજી કાકુજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના મોટા દીકરા પરબતજીએ ત્રણ વર્ષ પહેલા તેમના કુટુંબી મોબતજી કલાજી ઠાકોરની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ યુગલ કલોલ રહેતું હતું પરંતુ તાજેતરમાં દીકરાની બાધા પૂરી કરવા માટે તેઓ પાંચ દિવસ પહેલા વતન મોટી આદરજ આવ્યા હતા. આ બાબતનો ખાર રાખીને યુવતીના પક્ષના લોકોએ ગઈકાલે રાત્રે હુમલો કર્યો હતો. હુમલાખોરો અમારી દીકરીને બહાર કાઢો તેમ કહી ઘરમાં ઘૂસી ગયા હતા અને ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં મોબતજી ઠાકોરે તલવાર વડે વિરમજીના બંને હાથ પર હુમલો કરતા ગંભીર ઇજાઓ થઈ હતી. પરબતજીને તલવારનો ઘા માથામાં મારી દેતા તેને ગંભીર ઇજા પહોંચી છે.  હુમલા દરમિયાન આ ટોળાએ ૮૦ વર્ષની આસપાસના વૃદ્ધ કાકુજી ઠાકોર પર પણ દયા દાખવી ન હતી તેમને માથાના ભાગે લાકડીઓ અને ધોકા વડે માર મારતા ગંભીર ઇજાઓ થઈ હતી અને વધુ લોહી નીકળી જવાને કારણે તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હુમલાખોરોએ ઘર પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી નુકસાન પહોંચાડયું હતું. જેથી આ મામલે પેથાપુર પોલીસે મોબતજી કલાજી ઠાકોર, ગોગાજી કલાજી ઠાકોર સહિત કુલ ૧૧ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.