Get The App

અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ 1 - image


Fake Pan Masala Factory Busted in Ahmedabad: અમદાવાદ સિટી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઓઢવ વિસ્તારમાં દરોડો પાડીને એક નામચીન બ્રાન્ડના પાન મસાલાનું ડુપ્લિકેટ પેકિંગ કરતા ગેરકાયદે કારખાનાનો પર્દાફાશ કર્યો છે. બ્રાન્ડેડ પ્રોડક્ટના નામે નકલી પાન મસાલા બનાવી માર્કેટમાં વેચવાના આ કૌભાંડમાં પોલીસે એક શખસની રંગેહાથ ધરપકડ કરી છે. ઘટનાસ્થળેથી પેકિંગ મશીનરી અને કાચા માલ સહિત કુલ 3,34,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કોપીરાઈટ ભંગની ફરિયાદના આધારે દરોડો

આ સમગ્ર મામલે ડુપ્લિકેટ મેન્યુફેક્ચરિંગ અને કોપીરાઈટ ભંગની તપાસ માટે ઓથોરાઈઝ્ડ કંપનીના પ્રોપરાઈટર હિરેન પટેલે (ઉં.વ. 44) એસ.ઓ.જી.માં લેખિત ફરિયાદ નોંધાવી હતી. તેને માહિતી મળી હતી કે ઓઢવ વિસ્તારમાં એક શખસ દ્વારા જાણીતી બ્રાન્ડના પાન મસાલાનું નકલી પેકિંગ કરીને બજારમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે. આ ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો 6 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ

ઓઢવના એસ્ટેટમાં ચાલતું હતું નેટવર્ક

પોલીસે ઓઢવના સેન્ટ્રલ વર્કશોપ રોડ પર, ભરવાડવાસની બાજુમાં આવેલા વિજય એસ્ટેટના પ્લોટ નં-20/2ના બીજા માળે આવેલા શેડમાં ઓચિંતી રેડ પાડી હતી. ફેક્ટરીમાંથી ગોમતીપુર વિસ્તારના રહેવાસી શબ્બીરઅલી સરાફતઅલી શેખ (ઉં.વ. 47)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી કોઈપણ પ્રકારની પરમિશન વગર ઈલેક્ટ્રીક મશીનરીનો ઉપયોગ કરીને આ શેડમાં બ્રાન્ડેડ પાન મસાલાના ડુપ્લિકેટ પાઉચ તૈયાર કરતો હતો.

સુરત, વડોદરા અને રાજસ્થાન સુધી કનેક્શન

પોલીસે કરેલી પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, આ ડુપ્લિકેટ પડીકીઓ પેક કરીને સુરત, વડોદરા અને રાજસ્થાનમાં સપ્લાય કરતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પેકિંગ કરવાનું ઈલેક્ટ્રીક મશીન, તૈયાર પેકેટ્સ, પ્રિન્ટેડ પેપર રોલ, ખાલી પાઉચ, 10 કિલો સોપારીનો કાચો માલ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,34,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.