જામ ખંભાળીયામાંથી નકલી CID અધિકારી ઝડપાયો, કાર પર લાલ લાઈટ-સાયરન લગાવી રોફ જમાવતો
Fake CID officer caught from Jam Khambhaliya : ગુજરાતમાં નકલી કોર્ટ, જજ, પોલીસ, ડૉક્ટર સહિત નકલીની ભરમાર યથાવત છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાંથી નકલી CID અધિકારી ઝડપાયો છે. નકલી CID અધિકારી કાર પર લાલ લાઈટ-સાયરન લગાવી રોફ જમાવતો હતો. પોલીસના વાહન ચેકિંગ દરમિયાન નકલી આઈકાર્ડ ચેક કરતાં સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે નકલી CID અધિકારીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નકલી CID અધિકારી ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં પોલીસના નાઈટ કોમ્બિંગ દરમિયાન ટોલનાકા પાસે વાહન ચેકિંગ કરતી વખતે દિગ્વિજયસિંહ પરમાર નામનો નકલી CID અધિકારી ઝડપાયો હતો. કાર પર લાલ લાઈટ-સાયરન લગાવીને પોતાને CID અધિકારી જણાવતા વ્યક્તિ પાસેથી નકલી આઈકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે આરોપીની કારમાં તપાસ કરતાં ઠંડા પીણાની બોટલમાંથી વિદેશી દારુ અને બિયરના ત્રણ ટીન પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો: નોકરીની લાલચ આપી 16 લોકોને લાખોનો ચૂનો લગાડનાર મહિલા અમદાવાદથી ઝડપાઈ, 9 માસથી ફરાર હતી
નકલી CID અધિકારી બની લોકો સમક્ષ રોફ બતાવતો આરોપી દિગ્વિજયસિંહ અમદાવાદના ધોળકા તાલુકાના ગાંગડ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ આ પ્રકારે ખંભાળીયામાં નકલી અધિક કલેકટર ઝડપાયો હોવાનું સામે આવ્યું હતું.