નોકરીની લાલચ આપી 16 લોકોને લાખોનો ચૂનો લગાડનાર મહિલા અમદાવાદથી ઝડપાઈ, 9 માસથી ફરાર હતી
Ahmedabad News : ગુજરાતમાં નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરનારી મહિલા ઝડપાઈ છે. બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકોને આરોગ્ય વિભાગમાં નોકરીની લાચ આપીને રૂ.43.50 લાખોનો ચૂનો લગાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી હતી, ત્યારે 9 માસથી ફરાર મહિલાને SOG પોલીસે અમદાવાદથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
16 લોકોને લાખોનો ચૂનો લગાડનાર મહિલા અમદાવાદથી ઝડપાઈ
બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂ.43.50 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય માસ્ટર માઈન્ડ શિલ્પા દવે સહિત ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ વિરૂદ્ધ 22 જુલાઈ 2024ના રોજ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતાં ભરત સોલંકીની ધરપકડ કરી હતી. જોકે, શિલ્પા દવે અને જગદીશ ફરાર હતા, ત્યારે છેલ્લા 9 મહિના બાદ મુખ્ય આરોપી શિલ્પાની પોલીસ ધરપકડ કરી છે.
આ પણ વાંચો: નર્મદાના પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાનું ગળુ દબાવીને કરાઈ કરપીણ હત્યા, આરોપીની ધરપકડ
બોટાદ SOG પોલીસને બાતમી મળી હતી કે, આરોપી શિલ્પા અમદાવાદમાં છે. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે શિલ્પાને ઝડપી પાડી હતી. મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લામાં આરોપી શિલ્પાએ કેટલાક લોકોને વિદેશ જવાની લાલચ આપીને 29 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલે પોલીસે શિલ્પાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.