Get The App

અમદાવાદ: શેઠના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરવી ભારે પડી, આધેડના ખાતામાંથી રૂ.10 લાખ સાફ

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: શેઠના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરવી ભારે પડી, આધેડના ખાતામાંથી રૂ.10 લાખ સાફ 1 - image

Ahmedabad Cyber Crime: અમદાવાદમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં નિકોલ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય વિપુલ પટેલ સાથે 10.70 લાખ રૂપિયાની ડિજિટલ છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઠગોએ ફરિયાદીના શેઠનો મોબાઈલ હેક કરી, તેમના જ વોટ્સઅપ પરથી એક જોખમી ફાઈલ મોકલી આ કાંડને અંજામ આપ્યો હતો.

APK ફાઈલ દ્વારા મોબાઈલનો એક્સેસ મેળવ્યો

મળતી માહિતી અનુસાર, 19મી ફેબ્રુઆરીના રોજ વિપુલભાઈ પોતાની નોકરી પર હતા, ત્યારે તેમના શેઠ જયંતિભાઈ પટેલના મોબાઈલ નંબર પરથી વોટ્સઅપમાં 'RTO E challan.apk' નામની એક ફાઈલ આવી હતી. શેઠના નંબર પરથી મેસેજ હોવાથી વિપુલભાઈએ કોઈ પણ શંકા વગર RTO મેમોની વિગતો તપાસવા માટે આ ફાઈલ ડાઉનલોડ કરી હતી.

ફાઈલ ઓપન કરતાની સાથે જ તેમાં નામ અને માતાનું નામ જેવી ખાનગી વિગતો માંગવામાં આવી હતી. વિપુલભાઈને શંકા જતાં તેમણે તુરંત ફાઈલ ડિલીટ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઠગોએ તેમના મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. આ એક્સેસની મદદથી ઠગોએ વિપુલભાઈના ઇન્ટરનેટ બેન્કિંગના આઈડી અને પાસવર્ડ ચોરી લીધા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ગાયકવાડ હવેલી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં રિક્ષા સળગાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

લોન મંજૂર કરાવી લાખો રૂપિયા પડાવ્યા

20મી ફેબ્રુઆરીના રોજ જ્યારે આધેડ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોબાઈલ પર બેન્કમાંથી નાણાં કપાયા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું કે ઠગોએ તેમના ખાતા પર 5.31 લાખ રૂપિયાની ઈન્સ્ટા જમ્બો લોન મેળવી લીધી હતી. 4.50 લાખ રૂપિયાની ઇન્સ્ટા લોન મંજૂર કરાવી હતી. ખાતામાં રહેલી બચત અને લોનની રકમ મળી કુલ 10.70 રૂપિયા લાખ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

સાયબર ક્રાઈમમાં ફરિયાદ

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ વિપુલભાઈએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છેકે, કોઈ પણ અજાણી વ્યક્તિ કે જાણીતી વ્યક્તિના નંબર પરથી પણ જો apk ફાઈલ આવે, તો તેને ડાઉનલોડ ન કરવી. આવી ફાઈલ તમારા મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સને આપી શકે છે.