Get The App

બેવડી ઋતુનો પ્રકોપ: અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, તો આ જિલ્લાઓમાં વરસાદની આગાહી!

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
બેવડી ઋતુનો પ્રકોપ: અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, તો આ જિલ્લાઓમાં વરસાદની આગાહી! 1 - image


Ahmedabad Heatwave: ગુજરાતમાં મે મહિનાના અંતમાં અસાધારણ વાતાવરણીય પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એકતરફ કાળઝાળ ગરમી આકાશમાંથી આગ ઓકી રહી છે, તો બીજી તરફ ચોમાસા જેવો માહોલ સર્જાવાની તૈયારીમાં છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહે રાજ્યમાં બેવડી ઋતુનો પ્રકોપ જોવા મળવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગરમીનું યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.

અમદાવાદમાં ઑરેન્જ ઍલર્ટ

આગામી અઠવાડિયામાં અમદાવાદ માટે એક દિવસ ઑરેન્જ ઍલર્ટ અને 6 દિવસ માટે યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મે મહિનાની ભયંકર ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે. 31મી મેથી બીજી જૂન દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના  અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા.

તાપમાનમાં આશિક ઘટાડો, પણ ઉકળાટ યથાવત્ રહેશે

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાક બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 3થી 5 ડીગ્રી સુધી ગગડવાની શક્યતા છે. જોકે, મોટાભાગના વિસ્તારોમાં પારો 40 ડીગ્રીને પાર જ રહેવાનો હોવાથી લોકોને અસહ્ય ઉકળાટ અને ભેજવાળા વાતાવરણનો સામનો કરવો પડશે. અમદાવાદ શહેરમાં પણ કાળઝાળ ગરમી વચ્ચે તાપમાન 44.4 ડીગ્રી નોંધાયું છે, જે રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ છે.