ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઃ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા

અમદાવાદ,બુધવાર
ખોખરા વિસ્તારમાં ઝોન-૫ સ્ક્વોર્ડે ચોક્કસ બાતમી આધારે વાહન કોર્ડન કરીને બે શખ્સોને પકડી પાડયા હતા તેમના મોબાઇલ અને લેપટોપ ચેક કરતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલવવાનું સાહિત્ય મળી આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં અમેરિકન નાગરિકોને ફોન કરીને લોન આપવવાની લાલચ આપીને ડોલર ગિફ્ટ કાર્ડ મેળવીને છેતરતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મોબાઇલ તથા લેપટોપ સહીત રૃા. ૨.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આઇફોન લેપટોપ સહિત ૨.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોતે વિદેશી નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા હોવાની કબૂલાત
ઝોન-૫ સ્ક્વોડના પીએઆઇ કે.ડી.જાડેજાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ખોખરા હાટકેશ્વર ખાતે રહેતા ઉમેશ તથા ભાઇપુરા ખાતે રહેતા પ્રવીણનાગરાજ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવી રહ્યા છે જેને લઇને પોલીસની ટીમ વોચમાં હતી દરમિયાન ખોખરા લાલભાઇ સેન્ટર પાસે જાહેર રોડ ઉપર તેમના વાહનને રોકીને તેઓને પકડયા હતા.
તેમની તલાસી લેતા તેમના પાસેથી આઇફોન તથા લેપટોપ મળી આવ્યું હતું. જેમાં ચેક કરતાં કોલ સેન્ટર ચલાવવાનું સાહિત્ય મળી આવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતાં આરોપીઓ અમેરિકન નાગરિકોને ફોન કરીને લોન અપાવવાની લાલચ આપતા હતા અને ડોલર ગિફ્ટ કાર્ડ આપીને અને ગિફ્ટના નંબર આધારે આગળની પ્રોસેસ કરીને રૃપિયા પડાવતા હોવાની કબુલાત કરી હતી.




