Get The App

રાજકોટમાં ખુદ પોલીસ જ અસુરક્ષિત, પોલીસ પર હુમલો કરી મોબાઇલની લૂંટ

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટમાં ખુદ પોલીસ જ અસુરક્ષિત, પોલીસ પર હુમલો કરી મોબાઇલની લૂંટ 1 - image

રીલ્સમાં સિંઘમ દેખાતી પોલીસ રીયલમાં ગુનેગારો સામે લાચાર નવાગામના નામચીન સંજય ઉર્ફે ટકો રોજાસરા અને તેના સાગરિતનું કૃત્ય, મોડા કેમ આવ્યાં તેમ કહી ઝઘડો કર્યો 

રાજકોટ, : રાજકોટમાં રીલ્સમાં સિંઘમ દેખાતી પોલીસ રીયલમાં ગુનેગારો સામે કેટલી લાચાર અને અસુરક્ષિત છે તેની પ્રતિતિ કરાવતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. કુવાડવા રોડ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ વિશાલ નરેશભાઇ વઘાસીયા (ઉ.વ. 28, રહે. માયાણીનગર, મવડી ફાયર બ્રિગેડ પાસે) ને ગઇકાલે એક નામચીન શખ્સ અને તેના મળતીયાએ બેફામ ગાળો ભાંડી, ઝપાઝપી કરી, તેનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. 

શહેરમાં જો પોલીસ જ અસલામત હોય તો સામાન્ય જનતાની હાલત કેવી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. આ અગાઉ પણ પોલીસ ઉપર હુમલાની ઘટનાઓ બની ચુકી છે. કુવાડવા રોડ પોલીસ મથકનાં કોન્સ્ટેબલ વિશાલભાઇ જનરક્ષક મોબાઇલમાં ફરજ બજાવે છે. ગઇકાલે રાત્રે કંટ્રોલ રૂમમાંથી કોલ આવતાં ડ્રાઇવર પ્રભાતભાઇ બકુતરા સાથે સ્થળ પર રવાના થયા હતા. 

કોલવાળી જગ્યા એટલે કે નવાગામ (આણંદપર)ની રંગીલા સોસાયટીમાં પહોંચી કોલ કરનાર દીપક ઉર્ફે ભુરો પલારીયાને મળતાં તેણે સીધું કહ્યું કે, તમે મોડાં કેમ આવ્યા છો. જેથી તેને કોલ મળતાં જ તત્કાળ આવ્યાનું કહેતાં થોડી વારમાં ત્યાં નામચીન અને અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલો સંજય ઉર્ફે ટકો રોજાસરા ધસી આવ્યો હતો. 

આવીને તેણે કોન્સ્ટેબલ વિશાલભાઇ સાથે બોલાચાલી અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. જેથી તેને 'વિનંતી'ના સૂરમાં માથાકુટ કરવાની ના પાડતાં વધુ ઉશ્કેરાઇ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં કોન્સ્ટેબલ વિશાલભાઇ પાસે રહેલો તેમનો આઇફોન લૂંટી લીધો હતો. 

ત્યાર પછી બંને આરોપીઓ એક્સેસ ઉપર બેસી ભાગી ગયા હતા.  પરંતુ પોલીસ કંઇ કરી શકી ન હતી. કુવાડવા રોડ પોલીસે બંને આરોપીઓ સામે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. જો કે આજે મોડી સાંજ સુધી બંને આરોપીઓ પકડાયા ન હતા.