| AI IMAGE |
Ethiopia Volcano : વિદેશની ધરતી પર કુદરતી પ્રકોપની અસર હવે ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઈથિયોપિયામાં આવેલા અને હજારો વર્ષોથી શાંત પડેલા 'હાયલી ગુબી' જ્વાળામુખીમાં અચાનક વિસ્ફોટ થતાં તેના રજકણો અને રાખ હવે પવનની ગતિ સાથે ભારત અને ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે.
ઈથિયોપિયાના હાયલી ગુબી જ્વાળામુખી ફાટ્યો હોવાથી સળગતા જ્વાળામુખીના ધુમાડા અને રાખ આજે ગુજરાત-વડોદરા તરફ આવવાની શક્યતા નકારી શકાતી નથી પરિણામે રાજ્ય અને વડોદરાની કેટલીક ફ્લાઇટોને અસર થવાની સાથે વાહન વ્યવહાર સહિત વાતાવરણમાં પણ ફેરફાર થવાની શક્યતા રહેલી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઈથિયોપિયાનો આ જ્વાળામુખી બે દિવસ પૂર્વે એટલે કે રવિવારે સવારે અચાનક સક્રિય થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ જ્વાળામુખી છેલ્લા 10થી 12 હજાર વર્ષોથી શાંત હતો. જોકે, વિસ્ફોટ બાદ પવનની દિશા ભારત તરફ હોવાને કારણે જ્વાળામુખીની રાખનો મોટો જથ્થો ઝડપભેર આગળ વધી રહ્યો છે. આજે રાત સુધીમાં આ રાખના વાદળો વડોદરા અને ગુજરાતના અન્ય ભાગોમાં પહોંચવાની શક્યતા નકારી શકાતી નથી.
જ્વાળામુખીની રાખના કારણે સૌથી મોટી અસર વિમાની સેવાઓ પર જોવા મળી શકે છે. રાખ ભરેલા વાદળોને કારણે વિઝિબિલિટી ઘટવાની અને એન્જિનમાં ખરાબી આવવાની ભીતિ રહેતી હોય છે. જેના પરિણામે વડોદરા અને રાજ્યની અન્ય ફ્લાઇટોના શિડ્યુલ ખોરવાઈ શકે છે અથવા ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભારતીય વિમાનોની અવરજવર પર અત્યારથી જ તેની આંશિક અસર જોવા મળી રહી છે.
વાતાવરણમાં પલટો આ કુદરતી ઘટનાને પગલે ગુજરાત અને વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાં પ્રદૂષણ કે રજકણોનું પ્રમાણ વધતા લોકોને સાવચેત રહેવાની જરૂર પડી શકે છે.


