PHOTOS: જામનગરમાં મરીન સેન્ચુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી વિસ્તારમાં પણ બુલડોઝર એક્શન
Jamnagar Demolition: જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી સહિતના વિસ્તારોમાંથી મંગળવારે (20 મે) મોડી રાત્રે સાત જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણોને દૂર કરવા માટેનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સજ્જડ પોલીસ બંદોબસ્ત હેઠળ આ ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતાં. ડિમોલિશનની કાર્યવાહી બાદ અંદાજિત 9 હજાર સ્ક્વેર ફૂટ જગ્યાને ખુલ્લી કરી દેવાઈ છે. નોંધનીય છે કે, આ તમામ કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા ગુપ્ત રીતે મોડી રાત્રે પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો
ગેરકાયદે દબાણ કરાયા દૂર
ભારતીય દરિયાઈ સુરક્ષાને સુનિશ્ચિત બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઇન્ટ પાસે આવેલા ગેરકાયદે ધાર્મિક દબાણોને ધ્યાનમાં લેવાયા હતા. આ સિવાય મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાયવર્સિટી તથા મેન્ગ્રુવને જોખમ રૂપ એવા અલગ-અલગ સ્થળ પર આવેલા કુલ 7 ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
મોડીરાત્રે હાથ ધરાઈ ડિમોલિશનની કાર્યવાહી
ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં મંગળવારે રાત્રે જેસીબી મશીન, હિટાચી મશીન સહિતની મશીનરીને કામે લગાડીને મોટો કાફલો ડિમોલિશનની કાર્યવાહીમાં જોડાયો હતો. આ સમગ્ર ઓપરેશન મોડીરાત્રે ગુપ્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. કુલ 7 જેટલા ધાર્મિક સ્થળના દબાણો દૂર કરી લેવાની કાર્યવાહી વહેલી સવાર સુધીમાં જ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાત્રિના સમયે જે જગ્યાએ ધાર્મિક સ્થળો હતા, તે તમામ જગ્યા પર જેસીબી વગેરે ફેરવી દઈ તમામ જગ્યા ને સમથળ કરીને ખુલ્લી કરાવી દેવામાં આવી છે. કુલ 15400 ચોરસ ફૂટ એરિયામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી. આ દબાણમાંથી અંદાજે 9 હજાર સ્ક્વેર ફૂટમાંતો છેલ્લાં 10 વર્ષમાં જ દબાણ ખડકી દેવાયું હતું. હાલ આ તમામ દબાણો હટાવી સંપૂર્ણ જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી છે.