ચંડોળામાં ડિમોલિશનનો બીજો દિવસ : નાના-મોટા 9 ધાર્મિક સ્થળો તોડી પાડવાની કામગીરી શરૂ, સજ્જડ બંદોબસ્ત
Chandola Demolition Phase 2: અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે બીજા તબક્કાની શરૂઆત થઈ ચુકી છે. મંગળવારે ફેઝ-2નો પહેલો દિવસ હતો, જેમાં અનેક ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે જ બુધવારે (21 મે) બીજા દિવસે વહેલી સવારથી જ ડિમોલિશનનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ બાંધકામમાં સિરાજ મસ્જિદ સિવાય લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી મસ્જિદનો સમાવેશ થાય છે.
નારોલ PWD ઓફિસ તરફ જવાનો રસ્તો કરાયો બંધ
નોંધનીય છે કે, ચંડોળા તળાવના વિસ્તારમાં નાની-મોટી કુલ 9 મસ્જિદો આવેલી છે, જેને આજે તોડવામાં આવશે. ધાર્મિક બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા કોઈ કાયદો હાથમાં ન લે તેને ધ્યાને લઈ વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગોઠવી દેવામાં આવી છે. જેને લઈને હઝરત ચોકીદાર બાવાની દરગાહ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સિવાય શાહ-એ-આલમ રોડ પર દરગાહની આસપાસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગોઠવવામાં આવી છે. તેમજ નારોલ PWD ઓફિસ તરફ જવાનો રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ધાર્મિક બાંધકામ તોડી પાડવાના હોવાથી આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
ગેરકાયદે મસ્જિદ પર કરાઈ કાર્યવાહી
ચંડોળા ડિમોલિશનના ફેઝ-2ના બીજા દિવસમાં અત્યાર સુધીમાં અલી મસ્જિદ અને ઈમામ હુસૈન મસ્જિદ તોડી પાડવામાં આવી છે. તંત્ર દ્વારા પહેલાં મસ્જિદમાંથી તમામ સામાન બહાર કાઢીને મસ્જિદ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
20 મેથી શરૂ કરાયો ડિમોલિશનનો બીજો તબક્કો
નોંધનીય છે કે, અમદાવાદમાં 20 મેથી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહા નગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમા પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે, ચંડોળા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચો.મી. ગેરકાયદે બાંધકામ હટાવાશે
ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવાનું આયોજન છે. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. પાલિકાના અધિકારીઓનો અંદાજ છે કે આ વિસ્તારમાં જેટલી માત્રામાં હજુ દબાણ છે, તેને જોતા ડિમોલિશનમાં બે થી ત્રણ દિવસથી વધુ સમય લાગી શકે છે.