અબડાસામાં વન વિભાગની જમીન પરનું દબાણ હટાવાયું, 350 હેક્ટર જમીન ખુલ્લી કરાઈ
Forest department action, Abdasa: કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કુણાઠીયા અને ભાચુંડા ગામોની સીમમાં વન વિભાગની આશરે 350 હેક્ટર જેટલી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો
મોટી સંખ્યામાં દબાણ અને સઘન કાર્યવાહી
વન વિભાગની કુલ 639 હેક્ટર જમીન પૈકી, 350 હેક્ટર જમીન પર કેટલાક સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે વાવણી કરીને દબાણ કરવામાં આવ્યું હતું, જે કુલ 864 એકર જેટલી જમીન થાય છે. આ દબાણ દૂર કરવા માટે વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વન વિભાગ-પોલીસનો 285થી વધુ સ્ટાફ મેદાનમાં
આ કાર્યવાહીમાં પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, અને કચ્છ વિસ્તારના વન વિભાગના કુલ 150 થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ ઉપરાંત, પશ્ચિમ કચ્છ પોલીસના 135 થી વધુ પોલીસ જવાનો પણ આ દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં સામેલ થયા હતા. આ રીતે મોટા પાયે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર દબાણો પર જેસીબી મશીન અને ટ્રેક્ટરો ફેરવી દેવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા આવા દબાણો સામે કડક પગલાં ભરવામાં આવશે
આ કાર્યવાહીથી તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે સરકારી જમીનો પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને તંત્ર દ્વારા આવા દબાણો સામે કડક પગલાં ભરવામાં આવશે. આ ઘટના ભવિષ્યમાં પણ સરકારી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરતા લોકોને ચેતવણી સમાન છે.
