રેટિંગ આપી સરળ પૈસા કમાવવાની લાલચમાં ન ફસાતા, કોલેજિયન વિદ્યાર્થિની કરી બેઠી મોટું નુકસાન
Vadodara Fraud Case : અભ્યાસની સાથે સાથે રૂપિયા કમાવવા માટે ઓનલાઈન કામ કરવાની ઓફરમાં એક વિદ્યાર્થિની 7 લાખ જેટલી રકમ ગુમાવી બેઠી છે.
ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી સમા-સાવલી રોડ વિસ્તારની વિદ્યાર્થિની હાર્દિ મહેશકુમારે પોલીસને કહ્યું છે કે, હું અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું. ગઈ તા.20 જાન્યુઆરીએ પોર્ટીયા કંપનીની એચઆરના નામે કોઈ અજાણી વ્યક્તિનો મારા પર ફોન આવ્યો હતો.
ફોન કરનાર વ્યક્તિએ મને કહ્યું હતું કે Google મેપમાં રેટિંગનું કામ કરવાનું છે. રેટિંગ દીઠ 203 રૂપિયા મળશે અને એક અઠવાડિયામાં 12000 સુધી કમાઈ શકશો. નવા લોકો માટે નાણાં ભરવાના નથી અને તમારી ઈચ્છા હોય તો તમે લિંક ઓપન કરીને સ્ટાર આપી શકો છો. તમારે ફાઈવ સ્ટારનો સ્ક્રીન શોટૅ મોકલવાનો રહેશે.
વિદ્યાર્થિનીએ પોલીસને કહ્યું છે કે, ઠગ વ્યક્તિએ મને ટેલિગ્રામનો ઉપયોગ કરો છો કે કેમ તેમ પણ પૂછ્યું હતું. તેણે ટેલિગ્રામ ઉપર એક લીંક મોકલી હતી અને મેસેજ પર વાત કરવા કહ્યું હતું. ત્યારબાદ મારી સેલેરી 25000 નક્કી કરી સેલેરી કોડ પણ આપ્યો હતો. મારી પાસે તમામ માહિતી તેમજ એકાઉન્ટ નંબર લીધા હતા. મને ગ્રુપમાં જોડવાનું કહ્યું હતું પરંતુ હું જોડાઈ ન હતી.
પહેલા દિવસે મને ત્રણ ટાસ્ક આપ્યા હતા અને રોજ 20 તારીખ આપવાની વાત કરી હતી. જેમાંથી બાર ટાસ્ક પૂરા થતા 500 અને બીજા ટાસ્ક પૂરા થતા 2200 રૂપિયા મળી રોજના 2700 રૂપિયા આપવાની વાત કરી હતી. મે Google મેપ ઉપર રિવ્યુ આપીને કામ પૂરું કર્યું હતું. ત્યારબાદ એક ગ્રુપમાં મૂકીને ટાસ્ક કાપવામાં આવતા હતા. મને પ્રીપેડ ટાસ્કની ઓફર કરાવી હતી જે મેં સ્વીકારી ન હતી. પરંતુ તેમણે ફરજિયાત પ્રીપેડ ટાસ્ક કરવા પડશે તેમ કહેતા મેં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ મારી પાસે 1000 રૂપિયા ઇન્વેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જે રકમ મળે લિંકમાં દેખાતી હતી. મને કહેવાનું હતું કે તમે કામ ખૂબ સારું કરો છો તેથી તમને વીઆઈપી ગ્રુપમાં એડ કરવામાં આવે છે.
વિદ્યાર્થીએ કહ્યું છે કે મને 9,518 રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ તેની સામે 6,95,000 ઇન્વેસ્ટ કરાવ્યા હતા. ત્યારબાદ વધુને વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી. જેથી મેં સાયબર સેલ ને ફરિયાદ કરી હતી.