Gujarat

સાયલાના નોલી અને લાખાવાડમાં 1.30 કરોડની વીજ ચોરી ઝડપાઈ

By GS TEAM
16 Mar 20261 min read
સાયલાના નોલી અને લાખાવાડમાં 1.30 કરોડની વીજ ચોરી ઝડપાઈ

પોલીસ અને જી.યુ.વી.એન.એલ.ની સંયુક્ત કાર્યવાહીમાં

ચેકિંગ દરમિયામાં ઘરમાંથી ચોરીનો આક્ષેપ  ઃ 'વીજ ચોરો' દ્વારા તપાસને ભટકાવવાનો પ્રયાસ, એસ.પી.એ આક્ષેપ નકાર્યા

સાયલાસુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વીજ ચોરીના દૂષણને ડામવા માટે તંત્ર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અને જી.યુ.વી.એન.એલ.ની સંયુક્ત ટીમોએ નોલી અને લાખાવાડ ગામમાં આકસ્મિક દરોડા પાડયા હતા.

એસ.પી., ડી.વાય.એસ.પી. અને પી.આઈ. સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ૧૧૮ ટીમો અને ૨૦૦ જેટલા પોલીસ જવાનોનોએ આશરે ૭૦૦ ઘરોમાં કરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન ૧૪૭ ઘરોમાં વીજ ચોરી ઝડપાતા તંત્રએ અંદાજે રૃ.૧.૩૦ કરોડનો મસમોટો દંડ ફટકાર્યો છે. ગેરકાયદેસર કનેક્શનો કાપીને મીટરો જપ્ત કરવાની કડક કાર્યવાહી કરાતા ફફડાટ વ્યાપી ગયો છે. આ ઓપરેશનથી સાયલા તાલુકામાં વીજ લોસ ઘટવાની અને અસામાજિક તત્વો પર લગામ કસાવાની આશા છે.

તપાસ દરમિયાન નોલી ગામમાં એક બંધ મકાનના તાળા તોડીને રોકડ અને દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બાબતે ધજાળા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવતા જિલ્લા પોલીસ અધિક્ષકે સ્પષ્ટતા કરી હતી કે, આ આક્ષેપો પાયાવિહોણા છે. વીજ ચોરી કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી હોવાથી કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને તપાસને ભટકાવવા માટે આવા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.