Get The App

VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્કાળજીથી ગ્રામજનો પરેશાન

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્કાળજીથી ગ્રામજનો પરેશાન 1 - image


Chhota Udepur News: ગુજરાત રાજ્યમાં કદાચ આ પહેલો એવો કિસ્સો હશે જ્યાં જનતાએ સરપંચને તો ચૂંટી કાઢ્યા છે, પરંતુ વહીવટી તંત્રની આળસ અને ચૂંટણી પંચની નિષ્ફળતાને કારણે છ મહિના વીતી ગયા હોવા છતાં સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો નથી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામમાં લોકશાહીના ચીંથરા ઉડતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે ચૂંટણી જીત્યાના થોડા જ દિવસોમાં જનપ્રતિનિધિ સત્તા સંભાળતા હોય છે, પરંતુ ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં 6 મહિના વીતી ગયા હોવા છતાં ચૂંટાયેલા સરપંચને હજુ સુધી ચાર્જ સોંપવામાં આવ્યો નથી. વહીવટી તંત્રની આ ઘોર નિષ્કાળજીને કારણે ગામનો વિકાસ રૂંધાયો છે અને ગ્રામજનો પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે.


શું છે ટેકનિકલ ગૂંચ?

છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ, ત્યારે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં એક અજીબ સ્થિતિ સર્જાઈ હતી. પંચાયતના કુલ 8 વોર્ડમાં સમય મર્યાદાના કારણે કોઈ પણ સભ્ય ઉમેદવારી નોંધાવી શક્યું નહોતું. માત્ર સરપંચ પદ માટે જ ચૂંટણી યોજાઈ, જેમાં રાકેશભાઇ રતિલાલ પંચાલ 25 જૂનના રોજ વિજેતા જાહેર થયા હતા.

VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્કાળજીથી ગ્રામજનો પરેશાન 2 - image

નિયમ મુજબ, ડેપ્યુટી સરપંચની વરણી માટે સભ્યો હોવા અનિવાર્ય છે. સભ્યો ન હોવાથી ગ્રામ પંચાયતની પ્રથમ મીટિંગ થઈ શકી નથી અને પરિણામે સરપંચને ચાર્જ આપી શકાયો નથી. આ વહીવટી ગૂંચને ઉકેલવા તાલુકા વિકાસ અધિકારી (TDO) એ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને ત્યારબાદ વિકાસ કમિશનર પાસે માર્ગદર્શન માંગ્યું હતું, પરંતુ મહિનાઓ વીતવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

ગામની હાલત બેહાલ: સુવિધાઓનો અભાવ

સરકારના નિયમ મુજબ, જો કોઈ બેઠક ખાલી હોય તો 6 માસની અંદર પેટા ચૂંટણી યોજવી અનિવાર્ય છે. પરંતુ ઇન્દ્રાલમાં 6 માસ વીતી ગયા હોવા છતાં ચૂંટણી પંચ કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સભ્યોની ચૂંટણી યોજવાની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી. જેના કારણે ગામના વિકાસ કામો અટકી પડ્યા છે:

પીવાનું પાણી: ગામમાં પીવાના પાણીની લાઈનો લીકેજ છે, જેના કારણે ગંદુ પાણી આવે છે.

ગંદકીનું સામ્રાજ્ય: ગટરો ઉભરાઈ રહી છે, પણ સફાઈ માટે કોઈ જવાબદાર નથી.

અધૂરા મકાન: પંચાયત કચેરીનું મકાન અધૂરું છે, હાલ પંચાયત દૂધ ડેરીના મકાનમાં ચાલે છે.

આંગણવાડીની હાલત: આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે, જે બાળકો માટે જોખમી બની શકે છે.

VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્કાળજીથી ગ્રામજનો પરેશાન 3 - image

આ પણ વાંચો: સુરત: ચૌટાબજારમાં પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સુસ્ત પડતા ફરી એક વાર દબાણકર્તાઓ સક્રિય થયા

તંત્રની નિષ્કાળજી સામે રોષ

ગ્રામજનોનો આક્ષેપ છે કે, "અમે મત આપીને સરપંચને ચૂંટ્યા છે, પણ જ્યારે અમે સમસ્યા લઈને જઈએ છીએ ત્યારે સરપંચ કહે છે કે મારી પાસે ચાર્જ જ નથી." બીજી તરફ, તલાટીના શાસનમાં લોકપ્રશ્નો ઉકેલાતા નથી. છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓની આ નિષ્કાળજીને કારણે આખું ગામ હેરાન થઈ રહ્યું છે.

તંત્ર સામે સવાલો

સરકારી નિયમ મુજબ કોઈ પણ પંચાયતમાં સભ્યની જગ્યા ખાલી હોય તો 6 માસમાં ચૂંટણી કરાવવી અનિવાર્ય છે. ઇન્દ્રાલમાં સરપંચ ચૂંટાયાને 6 મહિના પૂરા થયા હોવા છતાં ચૂંટણી પંચે બાકીના 8 વોર્ડમાં ચૂંટણી કેમ ન કરાવી? અધિકારીઓની આ ઢીલી નીતિને કારણે આજે ઇન્દ્રાલ ગુજરાતની એક એવી પંચાયત બની છે જ્યાં સરપંચ હોવા છતાં સત્તા વિહોણા છે.

VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્કાળજીથી ગ્રામજનો પરેશાન 4 - image

શું ચૂંટણી પંચ જાગશે? શું વિકાસ કમિશનર આ ગૂંચ ઉકેલશે? ઇન્દ્રાલના ગ્રામજનો હવે આંદોલનના મૂડમાં છે અને જલ્દીમાં જલ્દી સભ્યોની ચૂંટણી કરાવી સરપંચને સત્તા સોંપવાની માંગ કરી રહ્યા છે.

TDOએ શું કહ્યું?

સંખેડા તાલુકા વિકાસ અધિકારી જીગર ભાઈ પટેલના જણાવ્યા મુજબ, ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચને ચાર્જ આપવા આવ્યો નથી અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી થાય તે માટે અમે દર મહિને મામલતદાર અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર મોકલીએ છે.

કાયદાકીય રીતે જટિલ અને દુર્લભ કિસ્સો

ટેકનિકલી અને કાયદાકીય રીતે આ એક ખૂબ જ જટિલ અને દુર્લભ કિસ્સો છે. સામાન્ય રીતે ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુજબ ગ્રામ પંચાયતનો વહીવટ ચાલતો હોય છે. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય (જ્યાં સરપંચ હોય પણ સભ્યો ન હોય), ત્યારે નીચે મુજબની પ્રક્રિયાઓ કે જોગવાઈઓ અમલમાં આવી શકે છે:

પ્રથમ બેઠક અને કોરમનો પ્રશ્ન 

કાયદા મુજબ, ચૂંટણી પછી પંચાયતની 'પ્રથમ બેઠક' બોલાવવી પડે છે, જેમાં ઉપ-સરપંચની વરણી થાય છે. આ બેઠક માટે 'કોરમ' (ન્યૂનતમ સભ્યોની હાજરી) જરૂરી છે. ઇન્દ્રાલના કિસ્સામાં એક પણ સભ્ય નથી, તેથી ટેકનિકલી પ્રથમ બેઠક મળી શકતી નથી. જ્યાં સુધી પ્રથમ બેઠક ન મળે, ત્યાં સુધી સરપંચ કાયદેસર રીતે ચાર્જ સંભાળી શકતા નથી.

VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્કાળજીથી ગ્રામજનો પરેશાન 5 - image

આ પણ વાંચો: જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં વહેલી સવારે એક ભેંસ એ ઉપાડો લેતાં ભારે અફરા-તફરી સર્જાઈ

વિકાસ કમિશનરનું માર્ગદર્શન 

જ્યારે સ્થાનિક સ્તરે (TDO કે DDO) કોઈ રસ્તો ન નીકળે, ત્યારે મામલો વિકાસ કમિશનર (Development Commissioner) પાસે જાય છે. તેઓ બે રીતે નિર્ણય લઈ શકે છે.

ખાસ કિસ્સામાં સત્તાની સોંપણી: કમિશનર વિશેષ આદેશ દ્વારા સરપંચને મર્યાદિત વહીવટી સત્તાઓ આપી શકે છે જેથી ગામના વિકાસ કામો (પાણી, લાઈટ) ન અટકે.

વહીવટદારની નિમણૂક: જો કાયદાકીય ગૂંચ ઉકેલાય તેમ ન હોય, તો જ્યાં સુધી નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી 'વહીવટદાર' (મોટેભાગે તલાટી અથવા વિસ્તરણ અધિકારી) ને સત્તા સોંપવામાં આવે છે.

પેટા ચૂંટણી (Bye-Election) - એકમાત્ર કાયમી ઉકેલ

નિયમ મુજબ 6 માસમાં ખાલી પડેલી બેઠકો ભરવી અનિવાર્ય છે.

ચૂંટણી પંચે (State Election Commission) આ 8 વોર્ડ માટે ફરીથી ચૂંટણીની જાહેરાત કરવી પડે.

જો બીજી વખત પણ કોઈ ઉમેદવારી ન નોંધાવે, તો સરકાર તે સભ્યોને નિમણૂક કરવાની સત્તા ધરાવે છે, જેથી પંચાયતનું બોર્ડ પૂરું થઈ શકે.

વહીવટી પ્રક્રિયાનો ફ્લોચાર્ટ

આ પ્રકારના કિસ્સામાં ફાઇલ કેવી રીતે આગળ વધે છે તે સમજવા માટે નીચે મુજબનો ક્રમ હોય છે.

તાલુકા વિકાસ અધિકારી (TDO): પરિસ્થિતિનો અહેવાલ તૈયાર કરે છે.

જિલ્લા વિકાસ અધિકારી (DDO): કાયદાકીય પાસાઓ તપાસી માર્ગદર્શન માટે ફાઇલ ગાંધીનગર મોકલે છે.

વિકાસ કમિશનર / પંચાયત વિભાગ: કાયદાના અર્થઘટન આધારે નોટિફિકેશન બહાર પાડે છે.

રાજ્ય ચૂંટણી પંચ: ખાલી બેઠકો માટે ફરીથી ચૂંટણીનું જાહેરનામું બહાર પાડે છે.

આ પણ વાંચો: છોટાઉદેપુર: નસવાડી-દેવલીયા રોડ પર પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

વર્તમાન સ્થિતિમાં શું થઈ શકે?

સરપંચની ભૂમિકા: સરપંચ રાકેશભાઈ અત્યારે માત્ર 'ચૂંટાયેલા' પ્રતિનિધિ છે, 'સત્તાધારી' નહીં. તેઓ લોકશાહી ઢબે દબાણ લાવવા માટે કલેક્ટર અથવા પંચાયત મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી શકે છે.

તલાટીની જવાબદારી: જ્યાં સુધી ચાર્જ ન સોંપાય ત્યાં સુધી ગામના પાયાના કામો (ગટર સફાઈ, લાઈટ) કરવાની જવાબદારી સીધી તલાટી-કમ-મંત્રી અને TDO ની બને છે. તેઓ 'ગ્રાન્ટ' વાપરી શકતા નથી, પણ 'જરૂરી મેન્ટેનન્સ' માટે તાલુકા પંચાયત પાસેથી વિશેષ મંજૂરી મેળવી શકે છે.