Road Accident In Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી-દેવલીયા રોડ પર ભિષણ અકસ્માત સર્જાયો હતો. નારિયેળ ભરેલી એક પૂરપાટ ઝડપે આવતી પીકઅપ વાને બાઈકને થયેલી જોરદાર ટક્કર મારી હતી. જેમાં બાઈકમાં સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. મૃતક યુવાન પોલીસ વિભાગમાં જી.આર.ડી. જવાન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે તપાસ હાથ ધરી
મળતી માહિતી મુજબ, નસવાડીના જેમલગઢ ગામના રહેવાસી કનુભાઈ તડવી બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન નસવાડી-દેવલીયા રોડ વચ્ચે નારિયેળ ભરેલી એક પીકઅપ વાને તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કનુભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં પિતાએ ઠપકો આપતાં 23 વર્ષીય યુવાને ચોથા માળેથી લગાવી મોતની છલાંગ
અકસ્માત થતા જ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ નસવાડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પીકઅપ ચાલક સામે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


