જામનગરમાં પંચેશ્વર ટાવર ચોકમાં રવિવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં એક ભેંસ એકાએક ગાંડી થઈ હતી, અને માર્ગ પર આડેધડ દોટ મૂકી હતી, જેમાં એક રીક્ષા અને બે સ્કૂટર હકડફેટમાં આવી ગયા હતા, જેમાં બે સ્કૂટર ચાલક યુવતીઓ ઘાયલ થઈ હતી, જ્યારે રિક્ષામાં બેઠેલા એક રીક્ષા ચાલકને પણ સામાન્ય ઈજા થઈ હતી, જે તમામને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી.
આ ધમાચકડી સમયે અનેકના જીવ તાળવે ચોટ્યા હતા. અને તંત્રને જાણ થવાથી સૌપ્રથમ ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના પાંચ જવાનોએ અડધો કલાકની જહેમત લઈ દોરડા નાખીને ભેંસને આખરે કાબુમાં લઈ લીધી હતી.
ત્યારબાદ સોલિડ વેસ્ટ શાખા ને જાણ કરતાં અધિકારી રાજભા જાડેજા બનાવના સ્થળે દોડી આવ્યા હતા, અને એક ટ્રેક્ટરમાં ભેંસને ચડાવીને બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં મૂકી દીધી હતી, જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.


