વટવામાં પત્નીની નજર સામે પતિનું મોત ઃ સિંગરવામાં વૃદ્ધાનું મોત

અમદાવાદ,મંગળવાર
પૂર્વમાં હિટ એન્ડ રનના બે બનાવમાં યુવક અને વૃદ્ધાનું મોત થયું હતું. જેમાં વટવા જીઆઇડીસી પાસે ત્રણ સવારીમાં જતા યુવકના બાઇકને લોડિંગ રિક્ષાએ ટક્કર મારતા પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું. જ્યારે પત્ની સહિત બે મહિલાને ગંભીર ઇજાઓ થતાં સારવાર હેઠળ છે બીજા બનાવમાં સિંગરવા વિસ્તારમાં મંદિર પાસે ઉભા રહેલા વૃદ્ધાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત થયું હતું. આ બન્ને બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વટવામાં ત્રણ સવારી જતા યુવકનું લોડિંગ ટક્કરથી મોત,બે મહિલા સારવાર હેઠળ ઃ સિંગરવામાં મંદિર પાસે અકસ્માતમાં વૃદ્ધાનું મોત
જશોદાનગરમાં રહેતા મહિલાએ ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોડિંગ રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે તેમના પતિ તથા બહેનપણી ત્રણ સવારે બાઇક પર બેસીને વટવા નણંદના ઘરે જઈ રહ્યા હતા. આ સમયે વટવા જીઆઈડીસી ફેસ ૧ કીરણ ઈન્ડસ્ટ્રીઝના દરવાજા પાસેથી પસાર થતા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી લોડીંગ રીક્ષા ચાલકે બાઇકને ટક્કર મારી હતી. ફરિયાદી સહિત ત્રણેય રસ્તા પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત કરીને રીક્ષા લઇને ડ્રાઇવર ભાગી ગયો હતો. ૧૦૮ની ટીમ ઘટના સ્થળે આવતા પહેલા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં પતિનું સ્થળ પર મોત થયું હતુ. જ્યારે ફરિયાદી તથા સહેલી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
બીજા બનાવમાં સિંગરવામાં રહેતા વૃદ્ધા તા.૨૫ના રોજ સાંજના સમયે સિંગરવા વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે રોડ ઉપર ઉભા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે પૂરરઝડપે વાહન હંકારીને ટક્કર મારતાં વૃદ્ધા ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા તેમને ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન અસારવા સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









