Gujarat

ગુજરાતમાં શિક્ષણ કેમ્પસ બન્યા ડેથઝોન, છેલ્લા 8 દિવસમાં 5 સહિત 3 વર્ષમાં 1899 વિદ્યાર્થીના આપઘાત

By GS Team
26 Sep 20263 mins read
TukuTouch Logo
ગુજરાતના શૈક્ષણિક કેમ્પસોમાં છેલ્લા 8 દિવસમાં 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. સુરત, રાજકોટ અને વડોદરામાં બનેલી આ ઘટનાઓમાં વિદ્યાર્થીઓએ ગળે ફાંસો ખાઈ કે ઊંચી ઈમારતો પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં જ 6 દિવસમાં 2 વિદ્યાર્થીઓએ છલાંગ લગાવી. આ આંકડા શિક્ષણ પ્રણાલી અને સામાજિક તણાવની ગંભીરતા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં શિક્ષણ કેમ્પસ બન્યા ડેથઝોન, છેલ્લા 8 દિવસમાં 5 સહિત 3 વર્ષમાં 1899 વિદ્યાર્થીના આપઘાત

Gujarat Students Died: ગુજરાતના શૈક્ષણિક કેમ્પસોમાંથી થતી આપઘાતના કિસ્સાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. છેલ્લા આઠ જ દિવસમાં સુરત, રાજકોટ અને વડોદરામાં પાંચ આશાસ્પદ વિદ્યાર્થીઓએ ગળે ફાંસો ખાઈને અથવા ઊંચી ઈમારતો પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાઓ માત્ર આંકડા નથી, પરંતુ શિક્ષણ પ્રણાલી, વાલીઓની અપેક્ષાઓ અને સામાજિક તણાવની વરવી વાસ્તવિકતા દર્શાવે છે.

રાજકોટની મારવાડી યુનિ.ના વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

રાજકોટની મારવાડી યુનિવર્સિટી અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. ગત 19મી સપ્ટેમ્બરે એક વિદ્યાર્થિનીએ 10મા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો, ત્યાં 25મી સપ્ટેમ્બરે વધુ એક ત્રીજા વર્ષના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી દીધી છે. એક જ કેમ્પસમાં ટૂંકા ગાળામાં બનેલી આ સતત બીજી ઘટના શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય બની ગઈ છે.

સુરતમાં 18મી સપ્ટેમ્બરે બી.કોમ.ની પરીક્ષા આપીને ઘરે પરત ફરેલા એક વિદ્યાર્થીએ 13મા માળેથી કૂદીને આપઘાત કરી લીધી હતી. ત્યારબાદ 24મી સપ્ટેમ્બરે પી.જી. મેડિકલના બીજા વર્ષના વિદ્યાર્થીએ આત્મઘાતી પગલું ભર્યું હતું. વડોદરામાં પણ ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

શિક્ષણ કેમ્પસ બન્યા ડેથ ઝોન

છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ 1899 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. એક જ વર્ષમાં 568 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, જે સરેરાશ દર બે દિવસે ત્રણ વિદ્યાર્થીઓનો દર દર્શાવે છે. આપઘાત કરનારાઓમાં 1024થી વધુ દીકરીઓ સામેલ છે, જે અત્યંત ગંભીર બાબત છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી 108 માસૂમ અને બેરોજગારીના કારણે 159 યુવાનોએ મોત વહાલું કર્યું છે.

તાજેતરમાં નીટ પરીક્ષાના પેપર લીક અને અનિયમિતતાથી હતાશ થઈને પણ એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિને જોતા હવે માંગ ઊઠી છે કે શિક્ષણના વધતા ખર્ચાઓ અને ફી માળખાને નિયંત્રિત કરવા માટે સરકારે તાકીદે નીતિ ઘડવી જોઈએ. આ સાથે જ વિદ્યાર્થી આપઘાતના કારણોની રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તપાસ કરાવીને એક કડક અને સમયબદ્ધ 'એક્શન પ્લાન' જાહેર કરવામાં આવે તે સમયની માંગ છે. જો અત્યારે યોગ્ય પગલાં નહીં લેવાય, તો ડિગ્રીઓ આપતા આ કેમ્પસો માસૂમોના શ્મશાન બની જશે.

છેલ્લા 6 દિવસમાં વિદ્યાર્થીના આપઘાતની બીજી ઘટના

રાજકોટમાં મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં મૂળ આંધ્રપ્રદેશના વિજયવાડા જિલ્લાના વતની 20 વર્ષીય હેમંત સીતારામપ્રસાદ ગંધમે 25મી સપ્ટેમ્બરે છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં છાત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હજુ ગયા શનિવારે જ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી મૂળ આંધ્રપ્રદેશની છાત્રાએ દસમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા છ દિવસમાં આત્મહત્યાની આ બીજી ઘટના બનતા તેના વિરોધમાં એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કરતા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. જેના અંતે છ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, હેમંત મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતો હતો. નિત્યક્રમ મુજબ 25મી સપ્ટેમ્બરના રોજ સવારે સાડા સાત વાગ્યે સહાધ્યાયીઓ સાથે ત્રીજા માળે આવેલા કલાસરૂમમાં પહોંચ્યો હતો. અડધી કલાક બાદ એટલે કે આઠેક વાગ્યે વોશરૂમના બહાને કલાસ રૂમની બહાર નીકળી સીધો લિફ્ટમાં છઠ્ઠા માળે પહોંચ્યો હતો. જ્યાંથી નીચે ઝંપલાવી દીધું હતું. ઘટનાની જાણ થતા યુનિવર્સિટીના કર્મચારીઓ અને છાત્રો દોડી ગયા હતા. કુવાડવા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર, આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. મૃતક છાત્રના પરિવારજનોને જાણ કરાતા રાજકોટ આવવા રવાના થઈ ગયા હતા.