Gujarat

ટૂંક સમયમાં શહેરના આઠ રૂટ પર ઈ-બસ દોડતી જોવા મળશે

By GS Team
29 Jan 20252 mins read
This article was originally published on 29 Jan 2025
ટૂંક સમયમાં શહેરના આઠ રૂટ પર ઈ-બસ દોડતી જોવા મળશે

- પી.એમ. ઈ-બસ સેવા અંતર્ગત 100 ઈ-બસ ફાળવવામાં આવશે

- ટોપ-૩થી ડી માર્ટવાળા રસ્તા પર બસ ડેપોનું નિર્માણ કાર્ય ગતિમાં, શહેરીજનોને ઈકો ફ્રેન્ડલી પરીવહનનો લાભ મળશે, અન્ય આઠ રૂટથી નજીકના ગામો આવરી લેવાશે

ભાવનગર : ભાવનગર શહેરને સિટી બસ સેવાના નામે ઘણાં વર્ષોથી અન્યાય જ કરવામાં આવી રહ્યો છે. અત્યારે આંગળીના વેઢે ગણી શકાય તેટલા સમખાવા પૂરતા જ રૂટ શરૂ છે. ત્યારે લંગડાતી ચાલતી સિટી બસ સેવાના સ્થાને હવે શહેરીજનોને ઈકો ફ્રેન્ડલી પરીવહનનો લાભ મળી રહે તેવા હેતુ સાથે આગામી સમયમાં અન્ય શહેરીની જેમ ભાવનગરના રસ્તાઓ પર પણ ઈ-બસો દોડતી જોવા મળશે.

ભાવનગરને પીઅ.મે. ઈ-બસ સેવા અંતર્ગત ૧૦૦ ઈ-બસની ફાળવણી કરવામાં આવનાર છે. ત્યારે શહેરના વિવિધ વોર્ડમાં આવેલા ફ્લોટીંગ પોપ્યુલેશનવાળા વિસ્તારો અને દૈનિક ધોરણે પરીવહન કરતા નાગરિકોનો અભ્યાસ કરી સમગ્ર શહેરને આવરી શકાય અને ટૂંકા સમયગાળામાં નાગરિકોને બસની સેવા ઉપલબ્ધ થઈ રહે તે માટે સેન્ટર ફોર એન્વાયર્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (સી.ઈ.પી.ટી.) યુનિવર્સિટી દ્વારા ઈ-બસ સેવા માટેના કામચલાઉ/અંદાજીત રૂટ્સ ડિઝાલન (પ્લાન) કરી આજે તા.૨૮-૧ના રોજ મેયર, ડે.મેયર, ચેરમેન, સ્ટેન્ડીંગ કમિટી, નેતા, શાસક પક્ષ, કમિશનર, નાયબ કમિશનર, પદાધિકારીઓ, નગરસેવકોની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં રજૂ થયેલા મંતવ્યોને ધ્યાનમાં રાખી ૧૬ કામચલાઉ/અંદાજીત રૂટ ડિઝાઈન (પ્લાન)નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાંથી શહેરના હદ વિસ્તાર માટે આઠ રૂટ અને શહેરની આસપાસના નજીકના ગામો/આઉટગ્રોથ વિસ્તારને આવરી લઈ શહેરની કનેક્ટીવિટી વધારવામાટે ડિઝાઈન કરવામાં આવ્યાનું મનપાના ટ્રાન્સપોર્ટ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ)એ જણાવ્યું છે.