બોટાદના ચાર મિત્રોને દ્વારકા નેશનલ હાઈવે પર નડ્યો ગમખ્વાર અકસ્માત: એકનું મોત, ત્રણ ગંભીર
Accident on Dwaraka National Highway : બોટાદથી દ્વારકા દર્શને જઈ રહેલા ચાર મિત્રોને આજે દ્વારકા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જામખંભાળિયાના દાંતા ગામ નજીક તેમની સ્વીફ્ટ કાર પલટી મારી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, બોટાદના ચાર મિત્રો પોતાના ખાનગી વાહનમાં દ્વારકા જવા નીકળ્યા હતા. જામખંભાળિયાના દાંતા ગામ નજીક વાહનચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઇને ઊંધી વળી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં રવી પટેલ નામના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ચૈતર વસાવા કેસ: AAPની ઉગ્ર આંદોલનની ચીમકી, મનસુખ વસાવાએ કહ્યું- ઈંટનો જવાબ પથ્થરથી આપીશ
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાહનચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.