દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન, ધાર્મિક માળખા સહિત 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dwarka Mega Demolition: બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત છે. ત્રણ દિવસમાં બાલાપરમાં 260 જેટલાં મકાન તોડવામાં આવ્યા છે. આ સાથે ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલાં બાંધકામ દૂર કરી 60800 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ત્રણ દિવસની અંદર આશરે 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
ગેરકાયદે ધાર્મિક માળખા પણ કરાયા દૂર
નોંધનીય છે કે, દબાણ દૂર કરવાના અભિયાન હેઠળ ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલાં બેક ધાર્મિક માળખાને પણ તોડી પાડવામાં આવ્યા છે. ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલી હજર પંજપીર દરગાહ તોડી પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર ધાર્મિક માળખાને તોડતા પહેલાં ત્રણ વખત નોટિસ પણ આપવામાં આવી હતી.
દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરુ છે.
કાયદાકીય કાર્યવાહી બાદ એક્શન લેવાયો
નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલાં અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને જરૂરી સરવે કરી નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધકામો પર સરકારની બુલડોઝરવાળી...1000 પોલીસકર્મીઓ ખડેપગે
એક વર્ષ પહેલાં પણ દૂર કરાયા હતા દબાણ
ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.




