Get The App

ફુડ પોઈઝનીંગ થવાના કારણે દાણીલીમડાના ૭૦ લોકોને ઝાડા- ઉલટીની અસર,તંત્ર ઉંઘતુ ઝડપાયું

મ્યુનિ.પાર્ટી પ્લોટનો નોનવેજ માટે દુરઉપયોગ થતો હોય તો પગલા લો, મ્યુનિ.કમિશનર

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
ફુડ પોઈઝનીંગ થવાના કારણે  દાણીલીમડાના ૭૦ લોકોને ઝાડા- ઉલટીની અસર,તંત્ર ઉંઘતુ ઝડપાયું 1 - image

     

  અમદાવાદ, બુધવાર, 1 એપ્રિલ,2026

અમદાવાદના દાણીલીમડાના ૭૦ લોકોને મંગળવારે ફુડ પોઈઝનીંગ થવાના કારણે ઝાડા ઉલટી થતા ચેપીરોગની હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલમા સારવાર  માટે દાખલ કરાયા હતા.આ ઘટનાને લઈ કોર્પોરેશનનુ આરોગ્ય તંત્ર ઉંઘતુ ઝડપાયુ હતુ.મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ટી પ્લોટનો નોનવેજ માટે દુરઉપયોગ થતો હોય તો પગલા ભરવા મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી હતી.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામા કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓની રીવ્યુ બેઠક મળી હતી.આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરમા પરમીશન વગર વેચાઈ રહેલા નોનવેજ ફુડ સામે કાર્યવાહી કરવા સુચના આપી હતી.દરમિયાન દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહયુ,દાણીલીમડાની શકિત સોસાયટીના એક પરિવારને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી કાંકરિયા ખાતે પિકનીક હાઉસ ખાતે જમણવાર રાખવામા આવ્યો હતો. આ જમણવારમાં ચીકન ઉપરાંત ફીશ, હલવો, દહીવડા અને છાશ સહિતની વાનગી પીરસવામા આવી હતી. આ વાનગી ખાધા પછી  ઝાડા ઉલટીની અસર થતા ચેપીરોગની હોસ્પિટલ ખાતે ૪૬, શીફા હોસ્પિટલ ખાતે ૨૦ તથા એલ.જી.હોસ્પિટલ ખાતે ત્રણ મળી કુલ ૭૦ લોકોને સારવાર આપવી પડી હતી.આ તબકકે મ્યુનિસિપલ કમિશનરે કહયુ, મ્યુનિ.પાર્ટી પ્લોટ હોય કે ડ્રેનેજ લાઈન કયાંય પણ નોનવેજનો વધેલો કચરો નાંખતા હોય તેવા લોકોને પકડીને તેમની સામે કાર્યવાહી કરો.નોનવેજ કચરો ડ્રેનેજમા નાંખવામા આવતો હોવાથી વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની સમસ્યા જોવા મળે છે.

લોકોનુ જાહેર આરોગ્ય જોખમાતુ હોય તો પોલીસ ફરિયાદ કરો, મ્યુનિ.કમિશનર

વીકલી રીવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદમાં નોનવેજના વેચાણને લઈ અનેક સુચના અધિકારીઓને આપી હતી. આ પૈકી એક સુચના એ પણ હતી કે, મ્યુનિ.ના પાર્ટી પ્લોટ કે હોલમાં  પીરસવામા આવેલા નોનવેજ ફુડને લઈ જો લોકોનુ જાહેર આરોગ્ય જોખમાતુ હોય તો આવા વ્યકિત કે સંસ્થાને બ્લેકલિસ્ટ કરો અને આવશ્યક જણાય તો પોલીસ ફરિયાદ પણ કરો.