ગુજરાતમાં 3 વર્ષમાં 16000 કરોડનું ડ્રગ્સ જપ્ત, 20 લાખથી વધુ લોકો ડ્રગ્સના બંધાણી
Gujarat News: ગુજરાત જાણે ઉડતા પંજાબ બની રહ્યું હોય તેમ ડ્રગ્સનું દૂષણ યુવા વર્ગમાં સતત વધી રહ્યું છે. વિતેલા ત્રણ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાથી ડ્રગ્સની જથ્થાબંધ હેરાફેરી ઉપર અંકુશ મેળવી શકાય છે પણ છૂટક ડ્રગ્સ વેચનારાઓ ઉપર હજુ જોઈએ તેવો અંકુશ આવ્યો નથી. ત્રણ વર્ષમાં દેશનું સૌથી વધુ 16 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. તેમ છતા નશો વેચનારાં નાના પેડલર્સ માત્ર 2600 જ પકડી શકાયા છે. કમનસીબી એ છે કે, બીનસત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં ડ્રગ્સ એડિક્ટની સંખ્યા લાખથી વધુ છે. એનસીબી અને એ.ટી.એસ. દ્વારા પંજાબ અને વિદેશથી ડ્રગ્સની હેરાફેરી કરતી કાર્ટેલ તોડવામાં નોંધપાત્ર કામગીરી કરી છે.
અમદાવાદમાં એન્ટી ડ્રગ્સ યુનિટ કાર્યરત
હવે, સ્થાનિક કક્ષાએ ડ્રગ્સ વેચાણનું દૂષણ રોકવા માટે અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં એન્ટી ડ્રગ્સ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. યુવા ધનને ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવવાની દિશામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની આ જહેમત જટીલ કાયદાકીય પ્રક્રિયાના કારણે કેટલી સફળ રહેશે તે સૌથી મોટો સવાલ છે.
2021થી 2024 સુધીમાં 16 કરોડનું ડ્રગ્સ જપ્ત
ગુજરાત પોલીસની સત્તાવાર વિગતો મુજબ, વર્ષ 2021થી 2024 દરમિયાન ગુજરાતમાંથી 16,000 કરોડનું કુલ 87,607 કિલો ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત સરકારે ડ્રગ્સની બાતમી આપનારાને રિવોર્ડ આપવાનો નિર્ણય જાહેર કર્યો. ત્યાર બાદ ડીજીપી કમિટીએ 2021થી 2024 દરમિયાન કુલ 737 વ્યક્તિઓને ડ્રગ્સ પકડાવવાની કામગીરી કરવા બદલ ઈનામો એનાયત કર્યા છે. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં દેશનું સૌથી વધુ 16,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે પણ ડ્રગ્સનું છૂટક વેચાણ કરનારાં 2600 પેડલર્સ જ પકડી શકાયાં છે. કમનસીબે ગુજરાતમાં ડ્રગ્સ એડિક્ટની સંખ્યા 20 લાખથી વધુ થઈ ચૂકી છે. સરકાર અને સરકારી તંત્રના પ્રયાસો છતાં ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ અંકુશમાં હોવા છતાં નિરંકુશ હોવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
કચ્છના ગાંધીધામ નજીક દરિયાકાંઠે બિનવારસી હાલતમાં મળેલાં 100 કિલો ડ્રગ્સ અંગે 11 મહિને વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અગાઉ પાંચ વર્ષ પહેલાં પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. ગુજરાતમાં મુન્દ્રા પોર્ટ ઉપરાંત ગાંધીધામ અને પોરબંદર નજીકના દરિયાઈકાંઠા વિસ્તારમાં એટીએસ અને એનસીબીએ ઓપરેશનો કરીને અબજો રૂપિયાનું જથ્થાબંધ ડ્રગ્સ પકડી પાડ્યું હતું. 16000 કરોડથી વધુ ડ્રગ્સ પકડાયું તે માટે 737 લોકોને 5.13 કરોડ રૂપિયા જેટલી ઈનામની રકમ પણ આપવામાં આવી છે.
20 લાખથી વધુ લોકો ડ્રગ્સના વ્યસનમાં
છેલ્લાં પાંચ વર્ષની સતત જહેમત બાદ ગુજરાતની દરિયાઈ સરહદથી અબજો રૂપિયાની કિંમતના જથ્થાબંધ ડ્રગ્સની હેરાફેરી ઉપર તો ગુજરાત અન દેશની એજન્સીઓની સંયુક્ત કામગીરીથી અંકુશ મેળવી શકાયો છે. પરંતુ, ગુજરાતમાં ડ્રગ્સ કે નશીલા પદાર્થોનું વ્યસન કરનારાઓની સંખ્યા 20 લાખથી પણ વધુ થઈ ચૂકી હોવાનો અહેવાલ છે.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસમાં ધરખમ ફેરફારની તૈયારી, નવી રેન્જ અને નવા કમિશનરેટ જાહેર કરશે સરકાર
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વર્ષ 2018ના નેશનલ સરવે મુજબ ગુજરાતમાં 17.35 લાખ પુરૂષ અને 1.85 લાખ મહિલાઓ ડ્રગ્સ એડિક્ટ હતાં. સાત વર્ષ પહેલાં 20 લાખથી વધુ નશો કરનારાંઓમાં ચરસ, અફીણ, ગાંજાનું વ્યસન વિશેષ પ્રમાણમાં હતું. હવે આવા સ્થાનિક નશીલા દ્રવ્યો ઉપરાંત મેથ, કોકેન, હેરોઈન જેવા વિદેશથી આવતાં સિન્થેટીક ડ્રગ્સનું ચલણ વધ્યું છે. ગંભીર બાબત એ છે કે, ડ્રગ્સના ચૂંગાલ ફસાયેલા લોકોના સંભવિત સાાવાર આંકડા જાહેર થતાં નથી.
16 થી 25 વયના ડ્રગ્સના સરળ શિકાર
એક સરવે મુજબ 16થી 25 વર્ષની વયના તરૂણથી યુવા વર્ગના લોકો ડ્રગ્સની આસાનીથી શિકાર બની રહ્યાં છે. જેમાં અમદાવાદ સહિત એ ગ્રુપમાં ગણાતાં દેશના 10 શહેરોમાં 37 ટકા લોકો અફીણ, 13 ટકા લોકો હેરોઈન, 30 ટકા લોકો અન્ય પ્રકારના ડ્રગ્સના બંધાણી થઈ ચૂક્યાં છે.
પાંચ વર્ષમાં 2600થી વધુ પેડલર ઝડપાયા
2019થી 2024 સુધીના પાંચ વર્ષમાં ડ્રગ્સના જુદા જુદા કેસોમાં ડ્રગ્સ લાવનાર કે વેચનાર 2600 પેડલર્સ ઝડપાયાં છે. પંજાબ સહિત સમગ્ર ભારત અને વિદેશમાં પણ ડ્રગ્સ લઈ જવા માટે ટ્રાન્ઝીટ પોઇન્ટ તરીકે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં કરાચીના ગેંગસ્ટર હાજી સલીમની કાર્ટેલ કાર્યરત હોવાની વિગતો ખુલી હતી. પાકિસ્તાન અને ઈરાનના બંદરોથી નાના બોટ કે જહાજમાં ભારતીય જળસરહદ સુધી ડ્રગ્સ લાવીને માછીમારી બોટથી ગુજરાતમાં ધુસાડવામાં આવતું હતું.