"જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત"નું સૂત્ર સાર્થક કરતા વડોદરાવાસીઓ, અમેરિકાના ટેક્સાસમાં હ્યુસ્ટન દિવસની ઉજવણી
Vadodara : વડોદરા મિત્ર મંડળની રચના કરી દ્વિતીય વર્ષે વડોદરા હ્યુસ્ટન દિનની ઉજવણીની સાથે સાથે વડોદરાવાસીઓના પરિવારજનોના બાળકોને ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ વિશે જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરાના 70થી વધુ પરિવાર અને બાળકો જોડાયા
જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં રહેતા વડોદરા વાસીઓએ તાજેતરમાં વડોદરા મિત્ર મંડળની રચના કરી હતી. યુએસએમાં કોઈ એક શહેરના પરિવારજનો એકઠા થાય તે માટેનો આ પ્રથમ પ્રયાસ સફળ રહ્યો છે. જેમાં હ્યુસ્ટન શહેરમાં વસતા વડોદરાના 70થી વધુ પરિવાર અને બાળકો જોડાયા છે વડોદરા મિત્ર મંડળની સ્થાપનાના બીજા વર્ષે રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવી પેઢીને વડોદરાની જાણકારી પ્રાપ્ત થાય તે માટે તમામ વિસ્તારની માહિતી રજૂ કરાઈ
વડોદરા મિત્ર મંડળના પરિવારજનોના જેઓનો જન્મ અમેરિકામાં થયો હોય તેવા બાળકોને વડોદરાની સાંસ્કૃતિક ધરોહર અને વિવિધ વિસ્તારોની જાણકારી સાથે ગરબાની ધૂમ સાથે રાષ્ટ્રીય અને સંસ્કૃતિની જાણકારી આપવાનો પ્રયાસ કર્યો એટલું જ નહીં વડોદરાની સંસ્કૃતિ અને વિકાસ ગાથાની જાણકારી આપવામાં આવી હતી. વડોદરા મિત્ર મંડળની અમેરિકામાં પ્રથમવાર સ્થાપના કરનાર વડોદરાના મૂળ રહેવાસી ગુંજન શાહ, રૂપલ પરીખ, ધવલ ત્રિવેદી અને અપૂર્વા ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કૈલાશ વાસી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાએ સંસ્કારી નગરી છે તેની આગવી ઓળખ વિદેશોમાં પણ રહેલી છે ત્યારે વિદેશમાં વસતા વડોદરાના પરિવારજનોની આગામી પેઢીના બાળકોને વડોદરા વિશેની જાણકારી મળે તે માટે તમામ વિસ્તારની માહિતી રજૂ કરવામાં આવી હતી.
વડોદરાના મેયર સહિતના મહાનુભવોએ વડોદરાવાસીઓના પ્રયાસને બિરદાવ્યો
વડોદરા સ્નેહ મિલન 2025 હ્યુસ્ટનના કાર્યક્રમમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તેમના વિડીયો સંદેશ દ્વારા હ્યુસ્ટનમાં વસતા વડોદરા વાસીઓના પ્રયાસને બિરદાવ્યો હતો. આ કાર્યક્રમ ખાસ કરીને બાળકોના પરફોર્મન્સને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. બાળકોને તેમના છુપાયેલાં ટેલેન્ટને ઉજાગર કરવાની ઉત્તમ તક મળી જે ઇવેન્ટનો મુખ્ય હેતુ રહ્યો. જેમાં ઢોલી અને ડીજેના લાઇવ મ્યૂઝિક અને સાઉન્ડ સેટઅપે ઉમંગમાં વધુ રંગ ભરી દીધા હતા. આવા કાર્યક્રમો અમારી મૂળ ભુમિ વડોદરા સાથે જોડવાનું એક મજબૂત માધ્યમ છે.