- કઠલાલ તાલુકાના ગામોને જોડતો
- રોડનું સમારકામ ન થતા ધંધોડી, વણસોલી અને નવચેતન વગેરે ગામના રહીશોમાં રોષ
નડિયાદ : ખેડાના મહુધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાની હાલત અત્યંત દયનીય બની છે. ખાસ કરીને મહુધાથી રુદણ ગામનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હોવાથી ગ્રામ્ય વિસ્તારના રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ રસ્તો ખખડધજ બની જતાં ધંધોડી, વણસોલી અને નવચેતન જેવા ગામોના હજારો લોકોનેે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા રોડનું વહેલી તકે સમારકામ કરવા માંગ ઉઠવા પામી છે.
મહુધાથી રુદણ ગામનો મુખ્ય રોડ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસમાર હાલતમાં ફેરવાયેલો છે. કઠલાલ તાલુકાના ગામોને જોડતા મહુધાથી રુદણના રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ જ જોવા મળી રહ્યાં છે, જેથી આ રોડ ઉપરથી રાત્રિના સમયે પસાર થતા વાહનચાલકોને ખાડા ન દેખાતા રોડ પર પટકાતા ચાલકો ઈજાનો ભોગ બને છે. આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પસાર થવામાં પણ ભારે મશ્કેેલી પડે છે, આ રોડ ઇમરજન્સી જેવા સમયે હોસ્પિટલમાં પહોંચવામાં મોડું થતા જીવલેણ સાબિત થઈ શકે છે.
બિસ્માર રોડના કારણે ધંધોડી અને વણસોલી જેવા ગામોના ખેડૂતોને તેમનો માલ મહુધા માર્કેટ સુધી પહોંચાડવામાં સમય વેડફાઈ રહ્યો છે. રુદણ વિસ્તારના ગામોના અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ રોડનું સમારકામ કરવા માત્ર આશ્વાસન જ મળે છે. જો વહેલી તકે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે.


